અહમ બ્રહ્માસ્મિ, ચિન્તન લેખ
મનુષ્ય જન્મ લીધો, ચોશઠ લાખ ફેરા ફર્યા બાદ મહામુલો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ,તેનું ધ્યેય બ્રહ્મને ઓળખવો, બ્રહ્મનિષ્ઠ થવું. આ ધ્યેય કોઇ દુન્યવી વસ્તુ કે દુન્યવી જ્ઞાન મેળવવા માટેનું નથી, તે તો છે સ્વને, આત્માને સતને, બ્રહ્મને (આ ચારેય પર્યાયવાચી શબ્દો છે) જાણવાનું પામવાનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું તે છે. આ ધ્યેય પ્રાપ્તિ માટે આપણા ઋષિઓએ માર્ગ બતાવેલ છે.જાણીયે.
ચાર વેદમાં દર્શાવેલ ચાર બ્રહ્મવાક્યોના અર્થ પર સતત મનન, ચિંતન કરવું એ આત્મ જ્ઞાન માટેની અંતરંગ સાધના છે. સૌ પ્રથમ આ ચાર વાક્યો શું છે તે જાણીયે.
૧ પ્રજ્ઞાનંબ્રહ્મ ઋગ્વેદનું મહાવાક્ય
૨ તત્ત્વં અસિ સામવેદનું મહાવાક્ય
૩ અયમાત્મા બ્રહ્મ અથર્વવેદનું મહાવાક્ય
૪ અહમ બ્રહ્માષ્મિ યજુર્વેદનું મહાવાક્ય
પ્રજ્ઞા એજ બ્રહ્મ, પ્રજ્ઞા એટલે કાર્યદક્ષ- નિર્ણાયક બુધ્ધિએ મેળવેલ યથાર્થ જ્ઞાન. સાંસારિક, કોલેજ યુનિવર્સિટી દ્વારા મેળવેલ જ્ઞાન, જેને સેક્યુલર નોલેજ કહેવામાં આવે છે, એ વિષયોનું જ્ઞાન છે, જેનાથી સાંસારિક સુખ સમૃધ્ધિ મેળવી શકાય છે, જે મેળવી માનવી ક્ષણિક સુખ મેળવે છે,તેથી કદી પૂર્ણ સંતોષ પામતો નથી, વધુને વધુ સુખ સમૃધ્ધિ માટે દોડધામ સકામ કર્મ ચાલુ જ રહે છે, અને કર્મ અનુસાર તેનો આત્મા જુદી જુદી યોનીમાં ભટકતો રહે છે.
પ્રજ્ઞા એ ગુરુ પાસે બેસી મેળવેલ વેદાંત જ્ઞાન. જે ઉપ નિ ષદ જ્ઞાન, ઉપ એટલે સરન્ડર, ગુરુ સામે સમધિ (યજ્ઞ માટે) સામગ્રી લઇને ઉપસ્થિત થવું, નિ એટલે પાસે,નીચુ આસન ગ્રહણ કરી, ષદ એટલે બેસવું- પૂર્ણ શ્રધ્ધા સાથે ગુરુના ચરણોમાં સરન્ડર થવું. બ્રહ્મજ્ઞાન મેળવવું, આતો ફક્ત જ્ઞાન, શિષ્યને પ્રોસ્તાહિત કરવા ગુરુ બોલે છે “પ્રજ્ઞાનંબ્રહ્મ”
તત્ત્વં અસિ આ વાક્ય સામવેદના વેદાન્ત ભાગના ચાંદોગ્ય ઉપનિષદનો છઠો મંત્ર.
“तततवम असि वाक्यार्थ चिन्तनमेवान्तरंग्साधनमात्म बोधस्य।“
શબ્દાર્થઃ- તત- તે , ત્વમ-તું, અસિ- છે, વાક્યાર્થ- વાક્યનો અર્થ, ચિન્તનમ-ચિન્તન, એવ-એજ, અન્તરંગ સાધનમ-આંતરિક સાધના, આત્મબોધસ્ય-,આત્મસાક્ષાત્કાર.
તે તું છે એ વાક્યના અર્થ પર ધ્યાન કરવું એ આત્મજ્ઞાન માટેની અંતરગત સાધના છે.
આ વાક્ય વેદાન્તના વિદ્યાર્થિઓ સૌ જાણે છે.આ મહાવાક્ય દ્વારા જે ઉપદેશ મળે છે તેનાં ત્રણ વિભાગ છે,- ૧ સમાનાધિકરણ, ૨ વિશેષણ-વિશેષભાવ. ૩ લક્ષ્ય-લક્ષણભાવ.
આ વા્તનું ઉદાહરણ, આ તેજ વિનયભાઇ છે,(સમાનાધિકરણ). વિનયભાઇને ૨૫ વર્ષ પહેલા દેશમાં જોયેલ ત્યારે ધોતિયું, ઝબા, બંડીના પહેરવેશમાં જોયેલ, અત્યારે અમેરિકામાં કોટ, પાટલુન પહેરેલ જોયા, એક વ્યક્તિ જુદા સ્થાને, જુદા સમયે જોવામાં આવી તે સ્થાન, પોષાકની વિશિષ્ઠતા (વિશેષભાવ) છોડી, વ્યક્તિના તાદાત્મયને(લક્ષણભાવને) ગ્રહણ કરી વ્યક્તિને મળ્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ. તે જ પ્રમાણે તત્ સર્વજ્ઞ ઇશ્વર અને ત્વમ્ એટલે અલ્પજ્ઞ જીવ-(આપણે સૌ),માં રહેલ પરમ ચિત(ચેતના)નું દર્શન કરવું જોઇએ.
૩ અયમાત્મા બ્રહ્મ-મારો આત્મા બ્રહ્મ છે.
સ્વરૂપ, આત્મા, બ્રહ્મ, ચૈનન્ય વગેરે પર્યાયવાચી શબ્દો છે.
સ્વસ્વરૂપને ઓળખવું, જો પોતાને જ ન ઓળખીએ તો કેવી રીતે કહી શકીએ મારો આત્મા બ્રહ્મ છે?
તેને ઓળખવા માટે જ્ઞાન, અને વિજ્ઞાન બન્નેની જરૂર છે. જ્યારે મનુષ્ય વિષયો પ્રત્યે અનાસક્તિ કેળવશે અને ચિન્તન કરી માનશે હું પદાર્થોની વસ્તુ નથી અને પદાર્થોને મારી સાથે કોઇ સંબંધ નથી આ રીતે મનને વાસનાઓથી મુક્ત કરશે, ત્યારે રાગ દ્વેશ, સુખ દુઃખ, કામ ક્રોધ વગેરે નષ્ટ થશે અને તે હંમેશ આનંદમાં રહેશે, આ મેળવવા નિરંતર ઉપાસના સાધના આવષ્યક છે. જુદા જુદા ઉપનિષદ, શિષ્ય ગુરુ સંવાદ દ્વારા આ વિષય શીખવે છે.
આપણો આત્મા પંચ મહાભૂતથી બનેલા શરીરમાં, પાંચ કોશમાં પુરાયેલો છે.આ કોશ તે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ પાંચ કોશ પંચ મહાભૂતના પાંચ તત્વો, આકાશ, વાયુ, અગ્નિ, આપ અને પૃથ્વીના પંચીકરણથી બનેલ છે.આ પાંચ કોશથી ત્રણ શરીર બનેલ છે, અન્નમય કોશથી સ્થુળ શરીર, પ્રાણમય, મનોમય, અને વિજ્ઞાનમય કોશોથી સૂક્ષ્મ શરીર, અને આનંદમય કોશથી કારણ શરીર બને છે. જેવી રીતે પ્યાજના છોતરા ઉતારતા જઇએ તો તે વિલુપ્ત થઇ જાય છે તેવી રીતે આ કોશોના નિરાકરણથી ત્રણે શરીર વિલુપ્ત થઇ જાય છે કેવળ આત્મા જ રહે છે.
આના માટે શ્રુતિમાં નેતિ- નેતિનો સિધ્ધાંત દર્શાવેલ છે. અન્નમય કોશ સ્થૂળ શરીર તેનું મૃત્યું થાય છે, જ્યારે આત્મા અમર અવિનાશી છે, માટે તે આત્મા ન હોય શકે. પ્રાણમય કોશ રજોગુણનું કામ છે, જ્યારે ગુસ્સો આવે ત્યારે પ્રાણની ગતી વધે છે અને શાંત પ્રકૃતિ હોય ત્યારે ધિમી ગતી થાય છે એટલે તે સ્વતંત્ર નથી જ્યારે આત્મા સ્વતંત્ર સ્વપ્રકાશિત છે. તે જ રીતે મનોમય અને વિજ્ઞાન્ય આનંદમય કોશ પણ જડ અને પરિવર્તનશીલ છે, આત્મા તો અપરિવર્તનશીલ, અસીમ, અમર, સર્વજ્ઞ, પૂર્ણ સર્વ વસ્તુઓનો આધાર છે. આ પાંચ કોશોનું અતિક્ર્મણ કરી સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિવાસ કરો. ત્યારે કહી શકાશે “અયમાત્મા બ્રહ્મ”. બ્રહ્મની સાથે ઐક્યતાનો અનુભવ, જન્મ-મૃત્યુ ના ચક્રમાંથી મુક્તિનું કારણ બને છે. શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે.
અહમ બ્રહ્માસ્મિ- હું બ્રહ્મ છું અહિ હું નો વાચ્યાર્થ અહંકાર. તેનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે.
તૈત્તિરીયોપનિષદ એ બ્રહ્માનુભવ ઉપનિષદ ગણાય છે.આ ઉપનિષદ સર્વ ઉપનિષદનો સાર છે. વેદાંતિક નિદિધ્યાસ માટે આ ઉપનિષદ અત્યંત મહત્વપૂર્ણ છે. આમાંનો કોઇ પણ મંત્ર પસંદ કરી તેના અર્થ અને ભાવ પર ધ્યાન ધરવાથી મન ઉન્નત બને છે, અધ્યાત્મ તરફી નિષ્ઠા વધે છે.
આપણે જ્ઞાન પ્રત્યેક્ષ, પરોક્ષ અને અપરોક્ષ ત્રણ રીતે પ્રાપ્ત કરીએ છીએ, પ્રત્યેક્ષ જ્ઞાન બાળપણથી માતા, પિતા, વડિલો પાસેથી અને મોટા થઇને શાળા, કોલેજના શિક્ષક, પ્રોફેસર પાસેથી મેળવીએ છીએ.પરોક્ષ જ્ઞાન- માઇલો દૂર થતી ક્રિયા- સ્થિતિ-પરિસ્થિતિનું જ્ઞાન મિડિયા મારફત મેળવીએ તે છે. દાખલા તરીકે ઇન્ડિયામાં રમાતી ક્રિકેટ મેચ, અમેરિકામાં ટી.વી પર જોઇ શકાઇ કે રેડિયો પર કોમેન્ટરી સાંભળી માહીતી મેળવી શકાય તે પરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન એ આત્મ જ્ઞાન જે કોઇ પાસેથી પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત ન થઇ શકે, તે ખૂદના પ્રયત્ને જ મળી શકે. તે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કોઇ ભેદભાવ રહેતો નથી, જાતિ, સંપ્રદાય અને રંગ વગેરે શરીરગત છે, એ તો જીવની અનિત્ય ઉપાધિ છે, જ્યારે આત્મા તો નિર્મળ-શુદ્ધ-કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર્ય વગેરે મળોથી મુક્ત છે.
અપરોક્ષ જ્ઞાન મેળવવા નિષેધાત્મક પ્રણાલી જ યોગ્ય પ્રણાલી છે, દેહની ભ્રાંતિ દૂર કરી આત્મા સાથે ઐક્ય થશે ત્યારે બંધનથી મુક્ત શાશ્વત આનંદ પ્રાપ્ત થશે.
દેહ શબ્દ દિહ્ ધાતુમાંથી બન્યો છે. જેનો અર્થ છે બળી જવું આ સ્થૂળ શરીરને અંતે બાળવામાં આવે છે. સૂક્ષ્મ શરીર કામનાઓ અને આંતરિક અવયવોના કાર્યથી વૃધ્ધિ પામે છે, તેના સંકુચન અને ક્ષયથી તે નષ્ટ થાય છે. ‘હું જીવ છું મારું નામ છે, આ અહં વિચારથી કારણ શરીરની વૃધ્ધિ થાય છે. પરંતુ અહંને બ્રહ્મની સાથે તાદાત્મ્ય થયા પછી તે શરીર પણ નષ્ટ થાય છે. આ સમજણથી દેહાસ્કતિ ક્ષીણ થશે. બ્રાહ્મીવૃત્તિ જાગૃત થશે. અંતે બ્રહ્મમાં સ્થિત થઇ જશે.
“અહમ બ્રહ્માસ્મિ”
અંતમાં જ્યોતિ બિંદુ ઉપનિષદમાં ૠષિ સાધકને માર્ગદર્શન આપે છે તે જોઇએ.
૧ સ્વસ્થ શરીર અને ઇન્દ્રિયોની આવશ્યકતા
૨ શરીર ઇન્દ્રિયોના સાધન દ્વારા પ્રબળ સાધના
૩ ઇશ્વર સર્વવ્યાપક છે તે સત્ય સતત યાદ રહેવું જોઇએ
૪ નિત્ય ઇશ્વર સ્મરણ
૫ સાધકે સાધન ચતુષ્ટયથી સંપન્ન બનવું જોઇએ
આપણું સીમિત મન અસીમ બ્રહ્મને સ્પર્શી શકે નહીં. વાણી પણ સીમિત છે જે બ્રહ્મને વર્ણવી શકે નહી.
પરંતુ જે વિવેક, વૈરાગ્ય, ષટ્સંપદ અને મુમુક્ષુત્વ-સાધન ચતુષ્ટય સંપન્ન છે, અને શ્રવણ, મનન, નિદિધ્યાસનમાં રત છે. તે તેને જાણી શકે છે. સતત મહાવાક્ય પર ધ્યાન કરવું, “તત્ત્વમસિ” તથા ‘અહમ બ્રહ્માસ્મિ”.
૦૨/૨૪/૧૫