વેલેન્ટાઇન દિવસ છે, પ્રેમ વિશે લખાઇ ગયું,આમ જુઓ તો પ્રેમ ફક્ત અઢ્ઢી અક્ષરનો સામાન્ય રોજ વપરાતો શબ્દ, નાના બાળકો તો સરળ સહજભાવે આઇ લવ યુ કહેતા હોય છે.આપણે સહુએ પ્રેમ વિષે ઘણું વાંચ્યુ છે ,સાંભળ્યું છે ,અને આપણામાંથી ઘણાએ વિચાર્યું પણ હશે.
પ્રેમ એટલે શું? ખૂબ જ સરળ બે જીવોને જોડ્તો સેતુ તે પ્રેમ, તો કોઇ વળી કહેશે આનંદ ઉલ્લાસની અવધિ તે પ્રેમ.પરંતુ આ અવધિ શા માટે ઓસરતી હશે!!બે જીવોને જોડતો સેતુ શા માટે કાયમી નથી બની રહેતો!! આજકાલ તો સેતુ તુટતા જરા પણ વાર નથી લાગતી “મારા મિત્રો સામે મને કેમ બે સોટ વધારે લેવા ના દીધા?”તે મને નીચો પાડ્યો” તો વળી ક્યારેક પત્નિ ઓફિસેથી મોડી આવે અને રસોઇ નો મુડ ના હોય અને રેસ્ટોરન્ટ્માં જવાનુ સુચન કરે તો પણ મિજાજ જાય,” રોજ રોજ બહાર ખાવાનું પોસાય નહી કાલે બોસને રાજીનામુ આપી દેજે”. તો ભણેલ પત્નિ પણ સામો જવાબ આપી દે, “વજનદાર પે ચેક કેવો સારો લાગે છે તો કોઇક્વાર રોકાવું પણ પડે”. આના કરતા સમજણ પુર્વક પત્નિએ રસ્તામાંથી જ ભોજનનું ટીફિન બંધાવી ઘરે પહોંચી તુરત ગરમા ગરમ બે ડીસ તૈયાર કરી ટી વી જોઇ રહેલ પતિ સામે મુકી બોલી હોત “હનિ આજે ટી વી ડીનર માણીએ”,તો પતિ પણ ખૂશ થઇ ગયા હોત ,અને સેતુ જોડાયેલ રહેત, સોટ વાળા કિસ્સામાં સમજુ પતિએ ગુસ્સે ન થતા કહ્યુ હોત હનિ સારુ થયું તે યાદ કરાવ્યુ” કાલે મારે ફીસીકલ છે એન્ઝાઇમ વધવા નહીં જોઇએ”.પરંતુ આજકાલ તો છૂટા છેડાના કિસ્સા પૂર્વ અને પશ્ચિમ બન્ને દેશૉમાં વધી રહ્યા છે .આનુ કારણ પતિ પત્નિના પ્રેમનો સેતુ નિર્બળ બની રહ્યો છે.સવાલ એ છે આ સેતુ સબળ કેવી રીતે બને?
આ માટે પ્રયત્નો હોવા જોઇએ દાંપત્ય જીવનને પ્રસન્નતાના પ્રકાશથી પ્રકાશીત કરવાના. આ પ્રસન્નતા તે ક્ષણિક ભૌતિક ભોગની પ્રસન્નતા નહીં .પરંતુ ત્યાગ, ચારિત્ર,સહિષ્ણુતા સમાધાનના પાયા પર ઘડાયેલી પરિપકવ કાયમી પ્રસન્નતા .આ બની શકે જ્યારે એકબીજાને ઓળખવા દુર્ગુણોની યાદી કે આક્ષેપોની જડી ન વર્ષાવાય પરંતુ અંતરના અજ્ઞાત ખૂણામાં ઢબુરાયેલ ભાવનાના મોતીની શોધ કરી તેની માળા પરોવી એકબીજાને પહેરાવાય.
આમ થશે ત્યારે સપ્તપદીના પગલે ગ્રહણ કરેલ દાંપત્ય પોકળ સહવાસ ન રહેતા,માંગલ્ય સભર જીવન પર્યંતની સહ યાત્રા બની રહેશે.
આવો પ્રેમ જે નિર્પેક્ષ નિર્વાચ્ય તે જ ઇશ્વર બ્રહ્મ છે , એટલે જ પ્રેમ એજ સત્ય સૌન્દર્ય એજ શિવ છે.
Nice and true expression.