મોટી બેન

સુભદ્રાબેન આખા ફિલડૅલ્ફિયામાં મોટીબેન તરીકે ઓળખાય. મોટીબેન ચાર ચોપડી ભણેલા દસ વરસના હતા ને તેમના બા જીવલેણ બિમારીના ભોગ બન્યા, પાંચ બાળકો કુમળી વયમાં મા વિહોણા થયા, ત્રણ વર્ષ મોટા વિનોદભાઇ, બે નાની બેનો, વીણા સાત વર્ષની, બીના પાંચ વર્ષની, સૌથી નાનોભાઇ સુલેખ ત્રણ વર્ષનો. પિતાશ્રીને ઘરકામમાં, તથા નાના ત્રણ ભાઇ બેનની સંભાળમાં મદદરૂપ થવા સુભદ્રાને શાળા છોડવી પડી. મોટાભાઇ મેટ્રિક અને એસ ટી સી સર્ટિફિકેટ પરીક્ષા પાસ કરી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. સુભદ્રા અને મોટાભાઇ સવારના ઊઠી પિતાને રસોઇમાં મદદ કરે, ત્યારબાદ નાની બેનોને વાળ ઓળી આપે, સુલેખને નવડાવે, તૈયાર કરે. સૌ શાળા ઓફિસે જાય, બાદ ઘરના બીજા નાના મોટા કામ સુભદ્રા કામવાળી બેન સાથે કરે. આમ નાનપણથી સુભદ્રાના શીરે જવાબદારી આવી.

સુભદ્રાને નાનપણથી, બાજુવાળા દેવીમાસી સાથે બહુ બને, ઘરમાં કોઇ તેનાથી મોટી સ્ત્રી નહીં, એટલે જ્યારે શારીરિક કે માનસિક મુઝવણ થાય, ત્યારે દેવીમાસી પાસે પહોંચી જા્ય. દેવીમાસી બધી સમજણ પાસે બેસાડીને આપે. દેવીમાસીને સુભદ્રા એટલે દીકરીથી પણ વિશેષ. દેવીમાસીને સંતાનમાં એક દીકરો પાંચ વર્ષથી અમેરિકામાં, એટલે માસી વિષ્ણુભાઇના પાંચે બાળકોનું સારુ ધ્યાન રાખે. સુભદ્રાને કામ કરતી જુએ ને મનમાં બોલે, આ છોડીને મેં ક્યારેય હાશકરી પગવાળી, બીજી છોડીઓ હારે પાંચીકા રમતા નથી જોઇ, કે નથી જોઇ કુંડાળા રમતા!! કોક્વાર તો બપોરે બોલાવે, સુભદ્રા હાલ મારી હારે ચોપાટ રમ, માસીનું માન રાખવા સુભદ્રા જાય ખરી, એકાદ કલાક રમે, ઘડીયાળમાં જુએ, માસી ટોકે અલી નિરાંતે બેસને રમતમાં ધ્યાન રાખ, માસી નિશાળ છૂટી હવે હું જઉ, બોલે ત્યાં વીણા, બીના, સુલેખ માસીના ઘેર માસીબા મોટીબેન છે તમારે ઘેર?

અલ્યા તમારી મોટીબેન કાલ હવારે સાસરે જશે, વીણા તું તો હવે મોટી થઇ નાના ભાઇની સંભાળ તારે લેવાની.

સુલેખ મોટીબેનને વળગી પડે, ના હો મારી મોટીબેન ક્યાંય નહીં જાય, અને જશે તો મને હારે લઇને જશે. વીણા બોલી, સુલેખ બેન હારે આપણાથી ન જવાય, આપણા મોટા કાકાના જશોદાબેન સાસરે ગયા ત્યારે તેં જોયુ‘તુ ને બધા રોતા રોતા પાછા આવ્યા, કોઇએ હારે જવાની જીદ નહોતી કરી. વેકેશનમાં જીજાજી તેડાવે ત્યારે જવાય.

સુભદ્રાઃ ચાલો હવે ઘેર, માસીબા જૈ શ્રી કૃષ્ણ, “જૈ શ્રી કૃષ્ણ, કાલે રમત પૂરી કરવા આવજે”

હા માસીબા આવીશ. ચારેય ભાઇ બેન ઘેર ગયા. માસીબા, મનમાં, આ છોડીને સાસરે હાશકારો મળશે? હું જ એના હારું સરસ વર અને ઘર ગોતીશ.

સુભદ્રા સોળ વરસની થઇ. પિતાએ મુરતિયા શોધવાનું શરુ કર્યું. ગામમાં બધા સગા સંબંધીઓમાં સુભદ્રાની સારી છાપ. દેવીમાસી ગામ આખામાં સુભદ્રાના વખાણ કરે, ગામની માતાઓ પણ પોતાની દીકરીઓને સુભદ્રાનો દાખલો આપે. દેવીમાસીએ સુભદ્રા માટે સરસ વર ને ઘર વિષ્ણુભાઇને બતાવ્યું. તેમના પિત્રાઈ ભાઇનો દીકરો રસિક. બન્ને પક્ષના વડીલોએ નક્કી કર્યું. વિનોદ માટે તો તેના બાએ છોકરી નક્કી કરેલ હતી એટલે બન્ને ભાઇ બેનના સાથે ગોળધાણા ખવાયા, સગાઇનું નક્કી થયું, પેલા મોટાભાઇના લગ્ન કર્યા જેથી વહુને જમાઇ પોંખવાનો લાવ મળે, વિમળાભાભી અને વિનોદભાઇએ નાનીબેનના લગ્નની બધી વિધિ કરી, ફક્ત ક્ન્યાદાન વિષ્ણુભાઇએ આપ્યું. સુભદ્રાનો વિદાયનો પ્રસંગ આવ્યો, ભાઇ ભાભીએ અને પિતાએ આશીર્વાદ આપ્યા, ખૂબ સુખી થજે. નાની બહેનો મોટીબેનને વળગી હિબકે ચડી, વીણા હિબકા ભરતા મોટીબેન તું જશે પછી બીનાના વાળ કોણ ઓળશે? સુભદ્રાએ હિંમત રાખી હૈયાની વેદના હૈયામાં ઢબારી, મહા પ્રયત્ને અશ્રુઓને પાપણૉની પાળમાં રોક્યા, બહેનોને બાથમાં લીધી; વીણા બીના હવે ભાભી છે તમારું બધું ધ્યાન રાખશે. વિમળાએ બન્ને નાની બહેનોને પોતાના બાહુમાં લીધી, જુઓ હું સાસરે આવી, તેમ મોટીબેન હવે પોતાને સાસરે જાય છે, હવે મોટીબેનની જગ્યાએ હું તમારી મોટીભાભી, તમારા ત્રણેનું ધ્યાન રાખીશ. સુલેખને મોટાભાઇએ બીજા છોકરાઓ સાથે રમતે ચડાવેલ. ભારે હૈયે સુભદ્રા મોટરમાં બેઠી, પૈડા નીચે શ્રીફળ પીલાયું, જાન વિદાય થઇ.

અત્યાર સુધી આંખના ગોખલામાં બંધાયેલ આંસુ પાળ તોડી દડ દડ ખરવા લાગ્યા, આખા રસ્તે રસિક સુભદ્રાના માથા, પીઠ પર હાથ પ્રસરાવી મૌન આશ્વાસન આપતો રહ્યો. થાકેલી સુભદ્રા રસિકના ખભા પર માથું ટેકવી સુઇ ગઇ. અમદાવાદ ઘર નજીક આવ્યું ત્યારે રસિકે હળવેથી સુભદ્રાનું માથું ઊંચુ કર્યું, સોભુ ઊઠો ઘર આવી ગયું. સુભદ્રા બેબાકળી જાગી, અરે હું સુઇ રહી, તમે મને ઉઠાડી કેમ નહી? ચાલો અંદર બોલી રસિકે સુભદ્રાનો હાથ પકડ્યો સુભદ્રાએ માથુ ઢાંક્યું. રસિકના બાએ દીકરા વહુને પોંખ્યા. સુભદ્રા વહુનો ગૃહ પ્રવેશ થયો.

મહિનામાં રસિકને બૅન્કમાં નોકરી મળી ગઇ. સાસરીમાં સુભદ્રાના માન વધી ગયા. સાસુ આખા ગામમાં વહુના શુભ પગલાએ મારા રસિકને બૅન્કની નોકરી મળી ગઇ કહેતા થાકે નહીં. રસિક પણ   સુભદ્રાને હાથમાં રાખે. સાજે જમીને બન્ને કાંકરિયાની પાળ પર બેસે, હેવમોરનો આઇસક્રીમ ખાય, બન્ને જણા ખૂબ ખૂબ ખુશ. એક દિવસ રસિકે ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ન્યુઝ પેપરમાં અમેરિકન બૅન્કની જાહેરાત જોઇને નસીબ અજમાવવા અરજી કરી.

બીજા વિશ્વયુધ્ધબાદ, અમેરિકાના દ્વાર પરદેશીઑ માટે ખુલી ગયેલ. રસિકભાઇ અને સુભદ્રાના નસિબ આડેથી પાંદડુ ખસ્યું. મહિનામાં જવાબ આવ્યો. છ મહિનામાં સરકારી વિધિ પતાવી, રસિકભાઇ અને સુભદ્રા બ્રિટિશ એર વેઝમાં અમેરિકા જવા ઉપડ્યા. બે વર્ષમાં રસિકભાઇ સારા સેટલ થઇ ગયા. બૅન્કની પરીક્ષા પાસ કરી સુપરવાઇઝર બની ગયા. સુભદ્રાએ પણ અંગ્રેજીના ક્લાસ ભર્યા. ગીતાનો જન્મ પછી વિનય અને અજયનું આગમન થયું. રસિકભાઇનો પગાર સારો હતો એટલે સુભદ્રાએ કોઇ દિવસ જોબ ન કર્યો, બાળકોના ઉછેરમાં ધ્યાન આપ્યું. પાંચ વર્ષ પછી બન્ને સીટીઝન થઇ ગયા.

સુભદ્રાએ એક દિવસ રસિક્ને વાત કરી, રિક (રસિકને બેન્કમાં બધા રિક કહેતા અમેરિકામાં દેશીઓના નામ અમેરિકનો ટુંકા કરી બોલાવે) મારા નાના ભાઇ, બેનને અમેરિકા બોલાવવા હોય તો શું વિધિ કરવી પડે?

“પિટિશન ફાઇલ કરવી પડે, વારા ફરતી બોલાવાય, એકસાથે નહીં”.

“ભલે, પહેલા તમારા ભાઇને બોલાવીએ પછી મારા ભાઇને”

“સોભુ, મારા મોટાભાઇ અહીં મારા પહેલાના આવી ગયા છે, મારા નાનાભાઇને નથી આવવું. કાલે હું ફોર્મ્સ લઇ આવું, વારા ફરતી બધાની ફાઇલ મુકી દઇશું”.

આમ પાંચ સાત વર્ષમાં સુભદ્રાના નાના ત્રણ ભાઇબેનો આવી ગયા. મોટાભાઇએ બાપુજીની નરમ તબિયતના હિસાબે મોડું કર્યું.

રસિકભાઇનો સ્વભાવ ખૂબ સારો બધાને સ્પોન્સર કર્યા પછી જોબ અપાવે, શિખામણ આપે;આ દેશમાં કોઇ કામની શરમ નહીં, જે જોબ મળે તે કરવાનો અને આગળ આવવાનું, આમ બધાને મદદરૂપ, ઘણા વર્ષથી એક જ ટાઉનમાં રહે એટલે ઘણા અમેરિકન સાથે પણ સારી ઓળખાણ, ઇન્ડીયન કે અમેરિકન ગ્રોસરિ સ્ટોર, ગેસ સ્ટેશન જ્યાં જેના નસીબ જોબ અપાવી દે.પોતે જોબ પરથી ઘેર આવે, એકાદ કલાક અહીંના ડ્રાઈવીંગની પ્રેકટિસ ટ્રાફિક ન હોય તેવા રોડ પર કરાવડાવે. આ રીતે ચાર છ મહિના પોતાની સાથે રાખી સુભદ્રાબેન ઘરકામમાં ટ્રેન કરે, અને રસિકભાઇ વર્ક એટીકૅટ શીખવાડે, પછી એપાર્ટમેન્ટમાં મુવ કરે. તેમની, દીકરી ગીતા હાઇસ્કુલમાં, વિનય અને અજય મિડલ સ્કુલમાં. મોટી ગીતાને આ જરાય ન ગમે, લાઇબ્રેરી, ટુટોરિયલ, બેન્ડ વગેરેમાં વ્યસ્ત રહે કે રહેવાના પ્રયત્ન કરે, જેથી F O B (ફ્રેશ ઓફ ધ બોટ) સાથે રહેવું ન પડે. વિનય સ્વભાવે તેના મમ્મી ડૅડી જેવો.

સૌથી નાની દીના સૌથી પહેલા આવી, ત્યાર બાદ સુલેખ, પિતાના આગ્રહ-વશ પરણીને આવ્યો.  દીના ગ્રોસરી સ્ટોરમાં જોબ કરે અને ભણે, કોમ્પુટર પ્રોગ્રામરની પરિક્ષા પાસ કરી. તેમની જ્ઞાતિના તેની સાથે ભણતા દિનેશ સાથે ઓળખાણ થઇ, દિનેશને તેના મોટાભાઇ હરિશે સ્પોન્સર કરેલ, બાજુના ટાઉનમાં જ રહે. દીનાએ મોટીબેનને વાત કરી. મોટીબેનતો ખૂશ ખૂશ. “હરિશભાઇ અને હર્ષાબેનને હું ઓળખું છું, મંદિરમાં મે તારી પણ ઓળખાણ કરાવેલી.”

“મોટીબેન હું ભૂલી ગઇ”.

“કશો વાંધો નહીં તું તારા કામ પર જા, હું ફોન કરું છું આ વિકએન્ડમાં ઘેર બોલાવું છું”.

સાંજે રસિકભાઇ સાથે વાત કરી, ફોન કર્યો “હલો હર્ષાબેન” હા હું હર્ષા તમે કોણ? “હું સુભદ્રા” “સુભદ્રા?” “મોટીબેન”હવે ઓળખાણ પડી, બોલો શું ખબર છે?”

“તમારા દિયરનું નામ દિનેશ” ‘હા દિનેશભાઇ મારા દિયર તેઓ અત્યારે ઘેર નથી”,

“મારે તેમનુ કામ નથી, તમને વાત કરવાની છે, મારી નાનીબેન દીના અને દિનેશભાઇ સાથે ક્લાસ ભરે છે, બન્ને એકબીજાને ઓળખે છે, તો આપણે બન્ને વેવાણ થઇએ તો કેમ?”

“મોટીબેન, સોનામાં સુગંધ, હું આજે જ હરિશને વાત કરું છું, આપણે વિક એન્ડમાં મળીએ”

“હર્ષાબેન મેં તમને આમંત્રણ આપવા જ ફોન કર્યો છે, બોલો ફ્રાઇડૅ કે શૅટરડૅ કયો દિવસ ફાવશે?”

“હું હરેશ અને દિનેશભાઇને પૂછીને જણાવું”

“હરેશભાઇએ અને તમારે જ નક્કી કરવાનું છે, દીનાએ અને દિનેશભાઇએ તો નક્કી કરેલું જ છે”.

“બસ તો અમને શું વાંધો હોય? શનિવારે સાંજે અમે ત્રણેય આવી જઇશું”

“નક્કી શનિવારે છ વાગે આવી જજો, આવજો”

“આવજો”

સુભદ્રાએ ઇન્ડીયા ફોન જોડ્યો બાપૂજી, પાંચ વર્ષથી લકવાના ભોગે પથારીવશ છે, સુભદ્રા છેલ્લે ગઇ ત્યારે બાપૂજીએ દીનાના લગ્નની ચિંતા વ્યક્ત કરેલી. સુભદ્રાએ બાપૂજીને સમજાવ્યા, દીના હવે મારી મોટી દીકરી હું એની જવાબદારી લઉ છું. આજે ફોન કરી મોટાભાઇને વાત કરી. બાપૂજી બોલી ના શક્યા, સાંભળી ખૂબ ખૂશ થયા. એક હાથ થોડો ઉપર કરી આશીર્વાદ આપ્યા. મોટાભાઇ ભાભી ગળગળા થઇ ગયા, “મોટીબેન, તમે કુટુંબ માટે કેટલું બધું કરો છો, સાસરે ગયા પછી પણ આટલું બધું કોઇ દીકરી ન કરે”.

“ભાભી, મારા કરતા તમારા જમાઇનો ઉપકાર, એ મને સાથ સહકાર આપે છે, મારા ભાઇ બેનને પોતાના માને છે”.

“સાચી વાત મોટીબેન, રસિકભાઇ જેવા જમાઇ તો નસીબદારને જ મળે તેમના ઉપકાર તો અમે સાત ભવેય નહીં ચુકવી શકીએ”.

“બસ ભાભી ભાઇ તમારા આશીર્વાદ નાની નણંદોને આપો એ જ ઘણું છે, આવજો”.

“આવજો બેન, ખૂબ સુખી થાવ અને શુભકાર્યો કરતા રહો”.

શનિવારે વડીલોએ સાથે મળી લગ્નની તારીખ નક્કી કરી.

બાપૂજીની તબિયતના કારણે સગાઇ- લગ્ન બધુ સાદાઇથી પતાવ્યા.

લગ્ન પત્યા બીજે દિવસે મોટાભાઇનો ફોન આવ્યો, બાપૂજીએ સંતોષ સાથે દેહ છોડ્યો છે, તેમની અંતિમ ઇચ્છાને માન આપી, કોઇએ રોવાનું નથી, સોગ રાખવાનો નથી.અમને પણ અમેરિકન એમ્બેસિમાંથી આજે વિસા માટે લેટર આવ્યો છે. વિસા મળે આવવાની તારીખ તમોને જણાવીશું. સુભદ્રાએ મનમાં હાશ અનુભવી. “રિક, મારા ફેમિલિ માટે તમે ઘણું કર્યું”, “સોભુ તને પરણીને આવ્યો ત્યારથી મારી ચડતી થઇ છે, તારા પગલે, મારી બા હંમેશા કહેતા, વહુના શુભ પગલે લક્ષ્મી આવે, જો કોઇ કર્કશાના પગલા થાય તો હોય એ પણ જતી રહે”.

“બસ હવે કાયમ મને જ બધો જશ આપવાની જરૂર નથી”,

“આપણે બેઉ એકબીજાને આપીએ- લઇએ, બાકી તો ઉપર વાળો જે આપે તે સાચો જશ”.

બે મહિનામાં મોટાભાઇ ભાભી તેમના બે ટી્નએજ બાળકો સાથે આવી ગયા. સાળાની મદદથી સુલેખ સારો સેટ થઇ ગયેલ, પોતાનો કન્વિનિયન્ટ સ્ટૉર હતો, એટલે મોટાભાઇ ભાભીની જવાબદારી તેણે લીધી.

સૌ સેટ થઇ ગયા. કોઇ પણ પ્રસંગ મોટીબેનની સલાહ વગર ન થાય. બધા કઝીન ભાઇ બેનોને પણ ખૂબ બને. મિડલ સ્કુલ હાઇસ્કુલમાં કોઇ વિનય અજયના કઝીનને બુલિ ન કરી શકે.

બધા તહેવારો, અમેરિકન અને ઇન્ડીયન સાથે ઉજવાય; થેંક્સ- ગિવીંગ મોટીબેનને ત્યા, ક્રીસમસ સુલેખને ત્યાં, રક્ષાબંધન ભાઇને ત્યાં, અને ભાઇબીજ વારાફરતી એક બેનને ત્યા. બધું મોટીબેન નક્કી કરે, સૌ માન્ય રાખે. સૌ સાથે સૌ આનંદ કરે.

વિનયે ઇન્ટરનેટ પરથી ઇન્ડીયન લોયર છોકરી શોધી. વિનયની સગાઇ અને લગ્ન ધામધુમથી થયા.

ગીતાએ કેરાલાનો ક્રિશ્ચિયન છોકરો પસંદ કર્યો. માતા પિતાએ માન્ય રાખ્યો. બન્નેની ઇચ્છા મુજબ બે લગ્ન વિધિ કરી. વિનય અને વહુ શ્રીદેવીએ મમ્મીએ કહ્યું તે મુજબ પ્રસંગની વિધિ કરી. મોટીબેનને વિનયની પસંદગીનો ગર્વ થયો.

રસિકભાઇની તબિયત નરમ રહેવા લાગી. બાળકો અને સુભદ્રાના આગ્રહને વશ થઇ, રસિકભાઇ રિટાયર્ડ થયા. પેન્શન હેલ્થ ઇન્સ્યોરન્સ બધા બેનિફીટ સારા મળ્યા.

ગીતાના ઘેર ચાર વર્ષમાં ત્રણ બાળકો થયા. મમ્મી ડેડી ડૅ કેરથી વિરુધ્ધ.

રસિકભાઇના ઘેર ડૅ કૅર શરું થયું, વિનયની એક બેબી, ગીતાના ત્રણ બાળકો ચારેયને, પતિ પત્નિ સંભાળે.

સુલેખની દીકરીની સગાઇ થઇ. લગ્ન લેવાયા, બધુ સુલેખની પત્નિએ તેના ભાઇ ભાભીની સલાહ મુજબ કર્યું. આ વખતે મોટીબેનની સલાહ ન લીધી.

ભાઇની દીકરીના લગ્ન અને દીકરાની જનોઇના બધા પ્રસંગમાં મોટીબેને હાજરી આપી, પરંતુ તેમના મુખ પર જે ઉત્સાહ ઝળહળતો તે જરા ઝાંખો લાગે. રિસેપ્શનમાં વિનયના સાસુએ પુછ્યું પણ ખરું, કેમ સુભદ્રાબેન તમારી તબિયત નથી સારી? ના ના ઉમાબેન, આ તો ઘરમાં રહીને શરીર વધી ગયું છે તેથી હાંફ ચડે છે.

“મેં જોયું તમે ખાસ ખાધુ પણ નહીં”.

“ઉમાબેન બરાબર ખાધું, શરીર વધે છે, થોડું ધ્યાન રાખુ છું”

સુલેખભાઇ આવ્યા મોટીબેન ચાલ મારી સાથે ડાન્સ કર, હાથ પકડી લઇ ગયા થોડીવાર ભાઇ બેને ડાન્સ કર્યો વાતો કરી, મોટીબેન હું જાણું છુ તને ખરાબ લાગ્યું છે, મારા સાળાના ફ્રેન્ડનો દીકરો એટલે અમારે તેમના પ્રમાણે બધુ કરવું પડ્યું. ના એવું ના બોલ, મને નાના ભાઇ- બેનનું ખરાબ ન લાગે. હવે તું ડાન્સ કર, હું ઉમાબેન સાથે બેસુ છું.

રસિકભાઇ અને મોટીબેન ભાઇ ભાભીની રજા લઇ વહેલા નીકળી ગયા. રસ્તામાં રસિકે પુછ્યું, સોભુ, તારી તબિયત સારી નથી લાગતી, “નારે થોડો બેકૅક છે, મોટરિન લઇને સુઇ જઈશ, સવારે સારું થઇ જશે”.

સવારે એકસો બે ડીગ્રી તાવ, સખત દુઃખાવો, રસિકભાઇએ વિનયને અને ગીતાને ફોન કર્યા, બન્ને ભાઇ બેને રવિવાર હોવાથી મમ્મીને ઇ.આરમાં લઇ જવાનું નક્કી કર્યું. શૉર્ટ ઓફ બ્રૅથ, તુરત એક્ષરે લીધો, આઇ. સી. યુ માં દાખલ કરી સારવાર શરુ કરી, મોટીબેન હજુ હોશમાં હતા. ડબલ ન્યુમોનિયાનું નિદાન થયું. ફુલ લાઇફ સપોર્ટ છતા પરિસ્થિતીમાં કોઇ ફેરફાર નહીં. બે દિવસ યમરાજ સાથે ઝઝૂમી મોટીબેન થાક્યા. ખુલ્લી આંખોમાંથી પ્રસંગોના સપના ઊડી ગયા. મોટીબેનના થાકેલા દેહને ઇશ્વરે બાહુ પ્રસરાવી લઇ લીધો.

ઊછળતા હૈયાના ધબકાર બંધ થયા;

ઇશ્વર તેં કેટલાના હૈયા તોડ્યા,

મોટીબેનની તને જરૂર પડી!

કે અમે સ્વાર્થી સાચવી ના શક્યા?

મોટીબેન, આજ ઇશ્વરને પાર્થુ,

તું હાશકારો પામે સદા ત્યાં.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s