“ભગવાન ભરોસે”
તરુલતા વાર્તા સ્પર્ધામાં ત્રીજું સ્થાન મળેલ વાર્તા આજેબ્લોગ પર મુકુ છું.
વૈશાખ મહિનાની ધોમ ઘખતી ભૂમિ પર છ પગલા ધમ ધમ ધરતી ધૃજાવતા ઉતાવળે ચાલી રહ્યા છે, જવું? શા માટે જવું છે? શું કરીશું? કંઇજ ખબર નથી, કોઇનો સાથ નથી, બસ, ઉપર આભ નીચે ધરતી. આકાશમાં ભમતી ભૂરી વાદળીઓની છત્રી ઓઢી ત્રણ વ્યક્તિ, મા અને બે દીકરીઓ ચાલ્યા કરે છે, દીકરીઓના માસુમ ચહેરા પર આશ્ચર્ય, ભયના મિશ્રીત ભાવ છે. માતાની ટટ્ટાર ખુમારી ભરી ચાલ અને સીધી નજર તેનો આત્મ વિશ્વાસ સુચવી રહ્યા છે.
મનમાં ઊમટતા વિચારો “મને બે દીકરીઓ થઇ એ શું મારો ગુનો છે!? મારા પતિ હતા ત્યારે કોઇની હિમત ન હતી, મારું અપમાન કરવાની, તેમનું અકસ્માતમાં અકાળે અવસાન થયું અને ડગલે ને પગલે મારું અપમાન..અને મારી દીકરીઓની અવગણના.. સહન ન થયું, ક્યાં જઈશ??..આવા વિચારો…પળ બે પળ તેણીનો આત્મ-વિશ્વાસ ડગુમગુ કરે છે. માહ્યલો બોલે છે, “નહીં સલમા, અત્યારે તારે બધુ ભૂલી જવાનું છે, અતીતને છોડ, ભવિષ્યનો વિચાર કર, ધરા અને ઝરા બે માસુમ બાળકીઓનું ભવિષ્ય તારે ઘડવાનું છે એ જ એક ધ્યેય…તું જરૂર કરી શકશે”…અને સલમા બે હાથમાં વહાલી પુત્રીઓના હાથ પકડી તેમને દોરતી ચાલી રહી છે…સમજુ સહનશીલ દીકરીઓ મા સાથે કદમ મેળવી રહી છે. થોડે દૂર કાચા રોડ પર એક છાપરી નીચે થોડા લોકો નજરે પડતા જ સલમાએ ઝડપ વધારી, જરૂર ત્યાં બસ સ્ટેન્ડ છે. હાશ, શહેરમાં જવાની બસ અહીંથી મળી જશે, આશા બંધાઇ. દીકરીઓ સામે જોયું, બન્નેના મુખ પરનો પસીનો પાલવથી લુછ્યો, હવાથી વેરવિખેર વાળની લટોને હાથની આંગળીઓ ભેરવી સરખી ગોઢવી, બેટા, હવે પેલી છાપરી દેખાય છેને ત્યાં સુધી જ ચાલવાનું છે. માના પ્રેમાળ સ્પર્શથી બન્ને દીકરીઓના મુખ પર સ્મીત ફરક્યું. મોટી ધરાએ પુછ્યું “મા આપણે ત્યાં રહેવાનું છે? “ના બેટા ત્યાંથી બસમાં બેસી આપણે રાજકોટ શહેરમાં જવાનું છે”. નાની ઝરા તો નાચવા લાગી, મા મારી બેનપણી તેના મામાના ઘેર રાજકોટ ગઈ’તી, આપણે મામાને ત્યાં જવાનું છે?” બેટા આપણને ખુદા જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે” આમ વાતોમાં બસ સ્ટેન્ડ આવી ગયું.
બસ સ્ટેન્ડ પર ઘણા લોકો હતા, કોઇ જમીન પર નિરાંતે બેઠેલા હતા, તો કોઇ પોતાના પોટલામાં બાંધેલ પોતાની કારીગરીનું શહેરમાં સારે ભાવે વેચાણ થશે તે આશા સાથે બસની રાહ જોઈ રહ્યા હતા… તો કોઈ શહેરમાં દીકરીના લગ્ન પ્રસંગનું હટાણું કરવા જઈ રહ્યા હતા..એકાદ બે જુવાનિયા શહેરમાં અમીતાભ બચ્ચનની પીકુ સિનેમા જોવા આતુરતાથી બસની રાહ જોઇ રહ્યા હતા. સલમા આ બધાની વાતચીત સાંભળી રહી હતી. ઝરા અને ધરા બન્ને થાક્યા હતા, તેઓની આંખમાં ઉંઘના ગાડા ઉમટ્યા હતા, ઠેલવા મુશ્કેલ જણાતા, સલમાએ બન્ને દીકરીઓને ઑઢણું પાથરી સુવડાવી, નજર પાછી રોડ પર, ક્યારે બસ આવશે? દૂરથી કોઈ વાહન આવતું જોયું સલમા ખુશ થઇ, બસ આવી! બેઠેલા સૌ ઊભા થયા, કપડા ખંખેરવા લાગ્યા, વાહન નજીક આવ્યું ..ટોળામાંથી કોઇ બોલ્યું “ આ તો કોઈ સાહેબની જીપ આવતી જણાય છે, સલમા બે ડગલા આગળ આવી રસ્તાની ધારી પરથી દૃષ્ટિ દૂર ફેલાવી, લોકોના ટોળાને જોતા જીપના ડ્રાયવરે સ્પીડ ઘટાડી, અંદર બેઠેલ સાહેબે પુછ્યું; “દીલુભા, આજે બસ મોડી પડી લાગે છે, ઘણા લોકો રાહ જોઇ રહ્યા છે!” સાહેબ બસનો ટાઇમ હવે થાય છે, આ તો કાલે પુનમના મૅળામાં જવાની ભીડ છે” જીપ એકદમ બસ સ્ટૅન્ડ પાસે આવી, સલમા અને સાહેબની દૃષ્ટિ મળી, સાહેબ મનમાં; અરે આ તો સલમા!!!, સલમાના માનસપટ પર નામ આવ્યું સમીર!! અહીં કયાંથી? સાહેબે ડ્રાયવરને જીપ રોકવા કહ્યું, ડ્રાયવરે જીપ પાર્ક કરી કે તુરત સમીર સાહેબ જીપમાંથી નીચે આવ્યા. સલમા પાસે આવી, જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ સહજ ભાવે બોલ્યા “સલમા બસની રાહ જોતા રાત પડી જશે, ચાલ જીપમાં બેસી જા, તારી સાથે બીજા કોઇ હોય તો તેને પણ લઇ લે,” “મારી બે દીકરીઓ છે ખૂબ થાકી ગઇ છે” બોલી સલમા દીકરીઓને ઊઠાડવા નીચે નમી “ધરા, ઝરા ઊઠો, આપણને લેવા અંકલ જીપ લઈને આવ્યા છે” જીપનું નામ સાંભળતા જ બન્ને ઊભી થઇ ગઈ. બન્નેના હાથ પકડી સલમા જીપ તરફ ચાલવા લાગી, ડ્રાયવરે ઉતરીને બન્ને દીકરીઓને ઊચકી જીપમા બેસાડી, સમીરે સલમાનો હાથ પકડી જીપ પર ચડવામાં મદદ કરી, બન્ને એક બીજા સામે જોઇ રહ્યા બન્નેની આંખોમાં અનેક પ્રશ્નો.. સમીરની આંખો પૂછી રહી છે સલમા ક્યાં ખોવાઈ ગયેલ આટલા વર્ષ? તો સલમાની આંખમાં પ્રશ્ન સમીર ૧૧મું પાસ કરી કોલેજમાં ગયો ને સલમાને સાવ ભૂલી ગયો? આ હસ્ત મેળાપ ૧૧ વર્ષ પહેલા ન થઈ શક્યો, આજે અચાનક વેરાન વગડામાં..!!!
અને બન્નેના મન ૧૧-૧૨ વર્ષના ભૂતકાળમાં ભ્રમણ કરવા લાગ્યા. કેટ કેટલી યાદો સાથે માણેલા તહેવારોની, બચપણમાં કરેલ ધીંગા મસ્તીની નજર સમક્ષ તરવરવા લાગી. બન્ને રાજકોટમાં સાથે મોટા થયા હતા. સલમાએ સમીર સાથે દિવાળીમાં ફ્ટાકડા ફોડ્યા હતા, સમીર હાથમાં ફટાકડાની લાંબી સેર પકડી સળગાવે અને સલમા ચીસ પાડે, સમીર જલ્દી ફેકી દે, તારા હાથ બળશે અને સમીર તેને બીવડાવવા બે,ત્રણ ફટાકડા હાથમાં જ ફોડૅ અને સલમા તેનો હાથ પકડી ફટાકડા છોડાવે, અને બન્ને ફટાકડાના ફ્ટફટ અવાજ સાથે ખડખડાટ હશે. નવરાત્રમાં સલમા સમીરની બેન સાથે ચણીયા ચોળી પહેરી ગરબા ગાવા જાય, સલમાના માતા પિતા પણ કોઇ વાંધો ન ઊઠાવે. સમીર અને તેની બેન પણ સલમા અને તેના ભાઇ સાથે તાજીયા જોવા જાય. આમ બન્ને કુટુંબના બાળકો આનંદ કરે અને વડીલો પણ આ નિર્દોષ આનંદ જોઇ ખુશ થાય.
સમીરના પિતા મામલતદાર, સલમાના પિતા તેમની જ ઓફિસમાં હેડ ક્લાર્ક, બન્ને પડોશી. સલમા અને સમીર સાત ચોપડી સુધી એક જ શાળામાં ભણ્યા, બન્ને સાથે ચાલતા સ્કુલમાં જાય. સલમા ખૂબ રૂપાળી, રસ્તામાં બન્નેને સાથે ચાલતા જોઇ તેમની શાળામાં ભણતા બે મુસલમાન છોકરાઓની આંખમાં ઝેર રેડાતું. અંદરો અંદર વાતો કરતા “અલ્યા મેહમુદ આ ચાંદ, હિંદુ થઇ જવાની હોય તેવું લાગે છે”, “ના ના, જમાલ સલમાનો બાપ સમીરને મુસલમાન બનાવશે” ત્યારે તો વાત છોડી બન્ને ક્લાસમાં ગયા. મેહમુદના મનનો કબજો સલમાએ લઇ લીધો હતો. સલમાનું રૂપ પણ દિલમાં વશી જાય તેવું જ હતું. દિવસે દિવસે વધુ ને વધુ નિખરતું હતું. શાળાના ઘણા છોકરાઓ સલમા પર લટ્ટુ હતા.
આ ઉંમરના છોકરા છોકરીઓના મનમાં તેઓને ન સમજાય તેવા ભાવનો સંચાર થાય છે અને તે જ ક્ષણે તનમાં પણ ઝણઝણાટી પ્રસરવા લાગે છે, તો કોઇ દીકરીઓના મન પરથી અગોચર ભયનું લખલખુ પસાર થઇ જતું હોય છે. સલમાના મનની દશા કોઇ વાર આવી થતી, ખાસ કરીને જ્યારે સમીર તેની સાથે ન હોય. સમીરની હાજરીમાં સલમાની છેડતી કરવાની કોઇ હિમત ન કરે, સમીર પણ બને ત્યાં સુધી સલમાની સાથે જ રહે. એક દિવસ સલમા રીસેસમાં તેની બહેનપણી સાથે બહાર મગફળી લેવા નીકળી અને મેહમુદે મોકો જોઇ સલમાની છેડતી કરી, સમીરે જોયું મેહમુદની બોચી પકડી બન્ને થયા બાથંબાથ, સલમાએ સમીરને વાર્યો,“છોડ જવા દે કંઇ મોટી વાત નથી”, શિક્ષક આવ્યા બન્નેને છુટા પાડ્યા.
સાતમું પાસ કરી બન્ને છુટા પડ્યા. સમીર બોયઝ હાઇસ્કુલમા ગયો અને સલમા ગર્લ્સ-હાઇસ્કુલમાં ગઈ. બન્નેની સ્કુલ જુદી, સમય સરખો, બન્ને સાથે દશ વાગ્યાની બસ પકડે, સલમા ઉતરે તેના પછીના સ્ટોપ પર સમીર ઉતરે, સાંજે પણ બન્નેની બસ નક્કી. બસમાં બન્ને ભણવાની વાતો કરે, સમીર ખૂબ હોશિયાર, સલમાને લેશનમાં મદદ કરે, ગણિત શિખવાડે. સલમાએ નવમું ધોરણ પાસ કર્યું.
સલમા૧૪ વર્ષની થઈ અને તેના માતા- પિતા બન્ને ટાયફોઇડની બિમારીના ભોગ બન્યા, સલમા અને તેના ૧૧ વર્ષના ભાઇની જવાબદારી કાકા-કાકી પર આવી પડી. કાકાને સાધારણ નોકરી, બધા સાથે રહે, કાકી પોતાના બે બાળકોને સંભાળે અને જેઠાણીને ઘરકામમાં મદદ કરે. બન્ને કુટુંબનો વ્યવહાર ભાઈ-ભાભી સંભાળે. અચાનક જવાબદારી છ જણાનું કુટુંબ કેમ નભશે? કાકા મુંઝાઈને પોતાના ભાઇના દોસ્ત, સમીરના પિતા મનસુખભાઈ પાસે ગયા. મનસુખભાઇએ સલમાના પિતાના પ્રોવિડન્ડ ફંડના પૈસા જરૂરી કાગળો તૈયાર કરી, અપાવ્યા. સલમાના કાકાને નાની કરિયાણાની દુકાન કરાવી આપી. ધંધાની શરૂઆત કામ ઘણું કરવું પડે, નોકર પોષાય નહીં, સલમાને અભ્યાસ છોડવો પડ્યો. સલમા તે દિવસે ખૂબ રડી, સાંજે બસમાં સમીરને મળી બોલી “સમીર આજે મારો છેલ્લો દિવસ છે”, “કેમ? હજુ તારે એક વર્ષ બાકી છે, મેં ૮ અને ૯ સાથે કર્યા તેથી મારું આ છેલ્લુ વર્ષ છે, મારો વાદ કરીશ તો એસ એસ સી પાસ નહીં ગણાય સારો છોકરો નહીં મળે બોલી હસવા લાગ્યો, સલમા રડતા રડતા બોલી સમીર તને મશ્કરી સુજે છે! હું સાચુ કહું છું, મારે મારી કાકીને ઘરકામમાં મદદ કરવાની છે અને નાના પિત્રાઈભાઇઓને સાચવવાના છે, જેથી કાકી દુકાનમાં કાકાને મદદ કરી શકે”. બસ સ્ટૉપ આવ્યું કંડકટર બોલ્યો જ્યુબિલી અને સમીરે સલમાનો હાથ પકડ્યો; ચાલ સલમા, સલમા રડતા રડતા સમીરની દોરવાય ઊતરી, સમીર સલમાને ગાર્ડનમાં લઈ ગયો, બન્ને બાકડા પર બેઠા. સમીરે ખીસ્સામાથી રૂમાલ કાઢ્યો, સલમાના આંસુ લુછતા બોલ્યો “અરે ગાંડી એમા આટલુ બધુ રડવાનું? હું તને અમદાવાદ લઈ જઈશ અને ભણાવીશ, હું ચાર વર્ષમાં પાછો આવીશ ત્યાં સુધી તું કાકીને મદદ કર, કાકા-કાકીને ખુશ કર, એટલે તેઓ તને મારી સાથે મોકલે બરાબર? સલમાના ગળે વાત ઊતરી ગઈ. બસ, ચાર જ વર્ષ રાહ જોવાની. બન્ને જણાએ જ્યુબિલી ગાર્ડનની માટલા ગુલ્ફી ખાઇને ઘેર ગયા.
જીપ રાજકોટના ધોરી માર્ગ તરફ દોડી રહી છે. સમીર અને સલમા બન્નેના મન પણ જીપની ઝડપ સાથે ભૂતકાળના પાના ઊથલાવી રહ્યા છે. બન્ને દીકરીઓ નિરાંતે સુતી છે. ચોટીલા નજીક આવતા ડ્રાયવરે પૂછ્યું; સાહેબ બહેનને ક્યાં ઊતરવાનું છે? અને બન્ને વર્તમાનમાં આવ્યા, સમીરે જવાબ આપ્યો, દીલુભા આપણા ઘેર. સલમાએ સમીરનો જવાબ સ્વીકારી લીધો, નાનપણથી સમીર કહે તે માની લેતી.
જીપ સમીરના ઘેર પહોંચી ડ્રાઇવરે ગેટ ખોલ્યો, જીપ અંદર લીધી. સલમાએ બન્ને દીકરીઓને જગાડી; બેટા ઊઠો ઘર આવ્યું. સમીરે ડ્રાઇવરને જમવાના પૈસા આપ્યા “દિલુભા, સવારે દશ વાગે આવી જજો”.
ધરા અને ઝરાએ પુછ્યું, “મમ્મી આપણે અહીં રહેવાનું?” “હા બેટા”
નાની ઝરા બોલી મમ્મી મને બહુ ભૂખ લાગી છે. અને સમીર ટ્રેમાં દુધના ગ્લાસ અને પારલેજી લઈ આવ્યો, ડાઇનીંગ ટેબલ પર ટ્રે મુકી “ચાલો બન્ને ખાવા લાગો, પારલેજી ભાવે છે?” બન્ને જણાએ મમ્મી સામે જોયું. સલમા બોલી ‘બેટા અંકલના ઘેર ખવાય” બન્નેને રસોડામાં ટેબલ પર બેસાડી, સલમાએ સમીરને પૂછ્યું ઘરમાં બીજુ કોઇ નથી? “ના, મારી પત્નિ કેન્સરની બિમારીમાં પ્રભુને પ્યારી થઈ ગઈ, મારો ૭ વર્ષનો દીકરો રાજકુમાર સ્કુલમાં હોસ્ટેલમાં ભણે છે, મારા માતાનો ગયા વર્ષે સ્વર્ગવાસ થયો, મારા પિતાશ્રી ચાર ધામ યાત્રામાં ગયા છે, બે ચાર દિવસમા આવશે, ત્યાં સુધી હું તું અને બે દીકરીઓ”.
“સલમા મેં મારી વાત કરી હવે તારી વાત કર, એક શરત, રડવાનું નહીં”.
“સમીર, સલમાના આંસુ સુકાઈ ગયા છે, તું ગયો ને બીજા વર્ષે કચ્છના કરિયાણાના વેપારી અને તેનો દીકરો માલ લેવા રાજકોટ આવ્યા, મારા કાકાને મળ્યા અને મારા કાકાએ મારો સોદો તેના નાના દીકરા સલીમ સાથે કરી દીધો. ત્રણ મહિનામાં લગ્ન લેવાયા, હું સાસરે ગઈ મારો ભાઇ સમજુ તે ભણવાની સાથે કાકાને દુકાનમાં પણ મદદ કરતો એટલે કાકી ઘર સંભાળી શકતા. મારા પતિ મને ચાહતા હતા, હું પણ તેમને સુખી રાખતી, મને બે દીકરીઓ થઈ, છ મહિના થયા મારા પતિનું રાજકોટથી પાછા આવતા જીવલેણ અકસ્માતમાં અવસાન થયું, ત્યારથી મારા પર મારા સાસરીયાનો ત્રાસ શરુ થયો, ઘર આખાનું કામ હું એકલી કરું, તેનો તો મને કોઇ વાંધો નહીં, પણ થોડા દિવસથી મારા જેઠની લોલુપ નજર અને સાથે શરીર સુખની માગણી, નહીં સહન થયું, બપોરના સૌ આરામ કરતા હતા ત્યારે ધરા ઝરાને લેવા જાઉ છું કહી નીકળી ગઈ, બન્ને દીકરીઓને સ્કુલમાંથી લીધી ભગવાન ભરોસે ચાલવા લાગી, બસ સ્ટેન્ડે પહોંચી, ભગવાને તને મોકલ્યો”.
“મારી બાર વર્ષની પ્રતિક્ષા ફળી, આજે મને મારી દેવી મળી”
ઇન્દુબેન શાહ
Well written.
Thanks,for your encouragement.
ઇન્દુબેન વાર્તા સરસ લખાઇ છે આભાર
rcvd in e mail from Deepakbhai Bhat
ઈંદુબેન,
તમારી વાર્તા ઘણી ગમી. અભિનંદન.
nice blog