પ્રણય પ્રાંગર્યો અષાઢી મેઘલી રાતે

                                                                                               અષાઢી સાંજને પહોરરે
ડુંગરાને કોરરે
મોરલાનો થાય કલશોર

અષાઢ શબ્દ કાને પડતા જ યાદ આવે અવિનાશ વ્યાસ રચિત આ ગીત. શાળામાં ભણતા ત્યારે વિસમી સદીના    મહાન ગીતકાર અવિનાશ વ્યાસના ઘણા બધા ગીત સાથે ગરબે ઘૂમ્યા અને રાસ રમ્યા એમાનો મને એક રાસ       હજુ યાદ છે ; તારી બાંકી રે પાઘલડીનું ફુમતું રે મને ગમતું રે, આતો કહુ છું રે પાતળિયા તને અમથું” અમારી શાળાના અષાઢ  મહિનામાં થતા વાર્ષિકોત્સની આ વાત છે, ૧૧માં ધોરણના વિદ્યાર્થી કલા અને કલ્પેશ સાથે બીજા ચાર છોકરી અને ચાર છોકરાઓએ ઉપરના રાસ પર પસંદગીની મહોર મારી. કાર્યક્રમની સાંજે આભ વાદળોથી ઘેરાયું, સાત વાગતા વિજળીના ઝબકારા અને વાદળોનો ગડગડાટ શરૂ થયો અષાઢ મહિનાની મેઘલી રાતે મંચ પર દસ જણાની રાસની રમઝટ ચાલતી હતી તેમાં કલ્પેશ અને કલાની જોડી બરાબર જામી હતી એક બીજાની સામે મલકાતા નયનો નચાવતા રાસ રમી રહ્યા હતા આ અભિનય પ્રેક્ષકોની નજરમાં વસી ગયો, શાળામાં ચર્ચાનો વિષય બની ગયો.

કલા અને કલ્પેશ એકડીયાથી સાથે દસ ધોરણ સુધી વાર્ષીક પરીક્ષામા પહેલો બિજો નંબર આ બે જણાનો જ હોય.  બોર્ડની પરીક્ષાની તૈયારીમાં બન્ને વ્યસ્ત થઈ ગયા કલા એલજિબ્રામાં કલ્પેશની મદદ લેતી બન્ને સાથે કુટમુટિયાના મેગેઝીન (ગાઈડ) વાંચતા, ત્યારે હજુ કોચીંગ ક્લાસીસ આજની જેમ શરૂ નહી થયેલ, આજકાલ તો કોચીંગ ક્લાસ ભરે તેને ૯૦%ઉપર માર્કસ મળવાની ગેરન્ટી!!મુંબઇમાં ઘર નાના, બે ઓરડા નાનું રસોડું એમાં ત્રણ ભાંડુડા અને માતા-પિતા પાંચ વ્યક્તિનો સમાવેશ થાય; તેમા કોઇને ટી વી જોવું હોય તો કોઇને રેડીયો પર બિનાકા ગીતમાલા સાંભળવી હોય એટલે વાંચવા બન્ને જણા શહેરની લાયબ્રેરીમાં જતા.
ક્યારેક કલાને એલજિબ્રાના પ્રોબલેમ સમજાવવામાં મોડું થઈ જતું ત્યારે કલ્પેશ કલાને ઘર સુધી મુકવા જતો, કલાનું ઘર બીજે માળે એ જમાનામાં બે માળના મકાનમાં લીફ્ટની સગવડતા નહી અને
દાદરની લાઈટ ૯ વાગે બંધ થઈ જતી; મકાન માલીકને બીલ ભરવું પોષાય નહી. કલ્પેશ ઘરના દરવાજા સુધી જાય કલા ડોરબેલ વગાડે, દરવાજો ખુલે કલા અંદર પ્રવેશે પછી જ કલ્પેશ તેના ઘેર જાય.

માર્ચ મહિનો આવ્યો, બન્ને રાતના નવ વાગ્યા સુધી લાયબ્રેરીમાં વાંચતા, બન્નેના માતા પિતાને કોઈ વાંધો નહી. પરીક્ષા પુરી થઈ બન્નેના પેપર્સ સારા ગયા રિઝલ્ટની રાહ.

બે ત્રણ દિવસ પરીક્ષાનો થાક ઉતર્યો બપોરના કલ્પેશનો ફોન આવ્યો કલાએ ઉપાડયો હલો કોણ સામે કલ્પેશ ‘કલા  આપણે  બપોરના શોમાં મુવી જોવા જઇએ છીએ મે મારી મમ્મીને પૂછી લીધું છે, તું તારા મમ્મીને વાત કર મને ખાત્રી છે વીણા માસી હા પાડશે જ’
‘તને મારા મમ્મીની શું ખબર?
‘મને ખબર છે વીણા માસી ફોરવર્ડ છે’
‘પણ કલ્પેશ મારે ઉમાને ઘેર જવું છે,તેની સાથે મુવી જોવા જવું છે’
‘ભલે આપણે ત્રણે સાથે મુવી જોવા જઇશું તું અને ઉમા મારે ઘેર આવો’
‘સારું તેમ કરીએ કલાએ ફોન મુક્યો, મમ્મી સમજી ગયા કે પછી ત્રણ જણા સાથે જાય તે ગમ્યું બોલ્યા ‘કલા તમે ત્રણેય જણા સાથે જાવ, તું અને કલ્પેશ એકલા મુવી જોવા જાવ તે બરાબર ન કહેવાય, મને કે શોભાબેન (કલ્પેશના મમ્મી)ને વાંધો ન હોય પણ પડોશમાં વાતો થાય’ મમ્મી શોભા માસીને અને તને વાંધો ના હોય તો પાડોશીથી બીવાનું!’ બીતા નથી પણ હજુ તમારે બન્નેએ એકલા જવાનો સમય આવ્યો નથી કોલેજમાંથી એકલા જજો’
‘હાસ એની તો છુટ મને મારી મોડર્ન મમ્મીએ અત્યારથી આપી દીધી મારી, મમ્મીને વહાલભરી હગ આપી.

કલા ઉમાને ત્યાં પહોંચી બેઉ સખી ઘણા સમયબાદ મળી બહાર બાલ્કનીમાં બેઠા. કલાએ પુછ્યું પરીક્ષા કેવી ગઈ? ‘અંગ્રેજીનું પેપર બહુ હાર્ડ હતું નિબંધના વિષયો બહુ અઘરા હતા મને લાગે છે હું નાપાસ થઈશ બોલતા આંખમાં પાણી આવી ગયા કલાએ તેના ખભે હાથ મુક્યો આંસુ લુછ્યા ‘અરે એમા રડે છે શું! બધાને માટે નિબંધ અઘરા હતા. સારુ બીજા બધા તો સારા ગયા છે ને? અને તારા આઠ વિષય એટલે તું એકમાં ફેલ થશે તો પણ પાસ ગણાશે’
‘પણ અંગ્રેજીમાં નાપાસ એટલે કોલેજમાં તો જવાશે જ નહી’
‘ઉમા તું એસ એન ડી ટી કોલેજમાં જઈ શકશે મારા મમ્મી ત્યાં ગુજરાતીના પ્રોફેસર છે તને એડમિસન અપાવી દેશે તારું ગુજરાતી તો ખૂબ સરસ છે’
‘હા ગુજરાતી હિન્દી બન્ને પેપર ખૂબ સારા ગયા છે ૬૫, ૭૦ માર્કસ આવી જશે’
‘સરસ તૈયાર થઈ જા આપણે મુવી જોવા જવાનું છે બન્ને કલ્પેશના ઘેર ગયા કલ્પેશ રાહ જોતો  બહાર       જ ઉભો હતો. ત્રણે જડપથી ખાર સ્ટેસન પહોંચ્યા મરિન્લાયન્સની ત્રણ ટીકીટ લિધી ટ્રેન આવતી જોઇ ત્રણે જણાએ દોડીને ટ્રેન પકડી ફાસ્ટ ટ્રેન હોવાથી સમયસર લીબર્ટી થિયેટર પહોંચી ગયા, કલ્પેશે ફોન કરી ટીકીટ રીઝર્વ કરાવેલ તેથી તુરત ટીકીટ લઇને અંદર ગયા આવનાર મુવીના ટેલર શરૂ થઈ ગયેલ પિક્ચર મિસ ના થયું. ઇન્ટરવલમાં કલ્પેશ ત્રણ કોક અને વેફર્સના પેકેટ લઈ આવ્યો. ત્રણે જણાએ એન્જોય કર્યું.

એપ્રિલના એન્ડમાં રિઝલ્ટ આવ્યું, કલા ના ૮૦% માર્કસ આવ્યા કલ્પેશના ૮૫% બન્નેનો શાળામાં પહેલો બીજો નંબર પરંતુ બોર્ડમાં પહેલા પંદરમાં નામ નહી હોવાનું દુઃખ બન્નેને થયું. કલ્પેશના ફોય અમેરિકા હતા તેમણે કલ્પેશને ૧૨મુ ધોરણ અમેરિકામાં કરવાની સલાહ આપી જેથી કોલેજમાં પ્રવેશ સરળ બને,કલ્પેશના પપ્પાએ આ સલાહ માન્ય રાખી દ્વિધા, કલ્પેશને તો અહી જયહિન્દ કોલેજ, જે સાઇન્સ માટે મુંબઈની બેસ્ટ કોલેજ ગણાય છે તેમાં સ્કોલરશીપ સાથે એડમિસન મળી ગયેલ છે શું કરવું? કલ્પેશઃ’પપ્પા ત્યાં બાર સુધી હાઇસ્કુલમાં ભણવાનું હોય છે અને ત્યાં સ્કુલ સપટેમ્બર મહિનામાં શરૂ થાય એટલે હું જુન જુલાય, ઓગષ્ટ ત્રણ મહિના અહી જયહિન્દ કોલેજમાં ભણું તો મને ક્રેડીટ મળે અને હું સારા પર્સનટાઇલમાં હાઇસ્કુલ ગ્રેજ્યુએટ થઈ શકુ તો મને સારી યુનિવર્સિટીમાં એડમિસન મળી શકે’ શ્રેણીકભાઇ તો દિકરાના બુધ્ધિ ચાતુર્ય પર આફરીન થઇ ગયા, ‘વાહ બેટા બહુ સરસ, આમેય વિસા અને ત્યારબાદ અમેરિકા જવાની તૈયારીમાં ત્રણેક મહિના જેટલો સમય થઈ જ જાય એમ જ કરીશું’ શ્રેણીકભાઇએ બીજે દિવસે નીલુબેનને અમેરિકા ફોન કરી જણાવી દીધુ.

કલાને પણ જયહિંદ કોલેજમાં એડમિસન મળી ગયું, બન્ને સાથે કોલેજમાં જતા, રોજ કેટલીયવાર મળવાનું થતુ, કેટલી બધી વાતો કરતા, બાયોકેમીસ્ટરીની, બાયોલોજીની તો કોઈ વાર “ડો. ઝિવાગો” “ગન્સ ઓફ નેવરોન” જેવા ફેમસ હોલિવુડ મુવી જોવાપણ જતા, કલ્પેશના હોઠ સુધી ઓગષ્ટમાં અમેરિકા જવાની વાત આવે બોલી ના શકે, એકદિવસ મરિનડ્રાઇવના દરિયા કિનારે બન્ને બેઠા હતા અષાઢ મહિનાની શરૂઆત વાદળો ઘેરાવા લાગ્યા વરસાદ તુટી પડશે, ક્લ્પેશના હોઠ ફફડ્યા કલા જોઈને બોલી ‘શું થાય છે  કપાળે ગળે હાથ ફેરવવા લાગી ક્લ્પુ તને ઠંડી લાગે છે?’
‘ના રે તું પાસે હોયને ઠંડી લાગતી હશે’ બન્નેની જ્ઞાનેન્દ્રીય સળવળી આખા શરીરમાં ઝણઝણાટી બન્ને એકબીજાના આલિંગનમાં કલ્પેશે કલાના ગાલ હોઠ કપાળે ચુમીનો વરસાદ વરસાવ્યો. કલાનું હૈયુ પલળ્યું, બન્નેની ધડકન એક થઈ ગઈ
હોઠ બોલી ના શક્યા સ્પર્શી પાવન થયા. કલાએ ઘડીયાળમાં જોયું ‘કલ્પેશ આઠ વાગ્યા ઘેર પહોંચતા નવ વાગશે અમારા ઘરનો કરફ્યુ ટાઇમ નવ વાગે બધાએ ઘેર પહોંચી જવાનું’ બન્ને ઉભા થયા ફાસ્ટ ચાલવા માંડ્યા મરિન્લાઇન્સ સ્ટેસન તરફ આઠ દસની ફાસ્ટ ટ્રેન પકડવા મળી ગઈ, ૮-૪૦એ ખાર સ્ટેશને ઉતર્યા, દસ મિનીટમાં ઘેર પહોંચ્યા.

બીજે દિવસે રિસેસમાં કેન્ટીનમાં કલ્પેશે આજે બે કોફી સાથે પાર્લેજી લીધા, કલા હસતા હસતા બોલી ભૂલમાં બીજાની ટ્રે લઈ આવ્યો!
‘આપણી જ છે આજે મને પણ તારી જેમ કોફી પીવી છે, મારે હવે ટેવ પાડવી છે’
‘ ટેવ! અમેરિકામાં ચા નહી મળે?’ ‘તને કોણે કહ્યું હું અમેરિકા જવાનો છું!’ગઈ કાલે વીણા માસીએ મારા મમ્મીને વાત કરી, તને ડર લાગ્યો જણાવતા કલા રડશે મને પણ ઢીલો પાડશે, કલ્પુ આપણે નાનપણથી સ્વપ્ના જોયા છે, આજે તને ચાન્સ મળ્યો છે સ્વપ્ના સાકાર થશે’

‘કલી મારું હૈયુ આટલા લાંબા સમય સુધી તારાથી દૂર જવા તૈયાર નથી, કેટલીએ વાર પ્રયત્ન કર્યા હોઠ ફફડે પણ બોલી ના શકે’ ‘કલ્પુ મારા મમ્મીએ પણ વીણા માસીને સારા સમાચાર આપ્યા મારા સુલભા માસીએ મારા મમ્મીની પીટીસન ફાઇલ કરી છે બે વર્ષમાં વિસા કોલ આવી જશે’ ‘વાહ બન્ને બહેનપણીઓ ખુશ અને આપણે બન્ને સાથે ત્યાંની કોલેજમાં જઇશું’ બન્ને હળવા ફૂલ થઈને ક્લાસમાં ગયા.

ઓગષ્ટ મહિનો આવ્યો રોજ રાત્રે કલાનું મન વિચારોના ચકડોળે ચડે પંદર દિવસમાં કલ્પુ જતો રહેશે, બે વર્ષ? કદાચ વધારે પણ થાય મમ્મીનો વિસા કોલ મોડો આવે તો? મને ૨૧ વર્ષ થઈ જાય તો હું મમ્મી સાથે ના જઈ શકુ, કલ્પેશ મને ભૂલી જશે તો? આવા અનેક પ્રશ્નોના જવાબ હૈયુ આપે ના ના મારો અને કલ્પેશનો પ્રેમ બચપનથી પરિપકવ છે, અમારા બન્નેના હૈયામાં જડાયેલ છે, ભૂલાય નહી, અને કલા ‘હો…બચપનકે દિન ભૂલા ન દેના ગીત ગણગણવા લાગે નિદ્રાધીન થઈ જાય.

અષાઢ સુદ આઠમ કલ્પેશનો જવાનો દિવસ, સવારથી સગા સંબંધીઓ મળવા આવતા કોઈ સુખડનો હાર પહેરાવે તો કોઈ શ્રીફળ આપે, કલ્પેશની આતુર આંખો વારંવાર બારી બહાર સામેના બિલ્ડીંગને જુવે, નાની બેન અંજના બોલી ભાઇ જેને શોધો છો તે તમારી પાછળ ઊભી છે, કલા કોલેજથી સીધી કલ્પેશને ત્યાં આવી ગઈ, મમ્મી- પપ્પા પણ આવી ગયા વીણાબેને અને શોભાબેને કલ્પેશને બાજઠ પર બેસાડ્યો કુમકુમ અક્ષત તિલક કર્યું, ક્લાના પપ્પા શ્રેણીકભાઈએ શ્રીફળ અને રોકડો રૂપિયો કલ્પેશના હાથમાં મુક્યા, કલ્પેશ વીણાબેન સામે જોઇ બોલ્યો મમ્મી આ બધુ શું? કલ્પેશના પપ્પા વિનયભાઇ બોલ્યા ‘કલ્પેશ આજે અમે શ્રીફળ વિધિ કરી એટલે તારું કલા સાથે વેવીશાળ નક્કી થયું. કલા અને કલ્પેશની નજર શરમથી ઝુકી ગઈ, અંજના બોલી ભાઇ કલા હવે તો ભાભી શરમાવ છો શું વડીલોને પગે તો લાગો. ત્યાં ઉમાએ શરૂ કર્યું “નૈન સો નૈન નાહી મિલાવો સય્યા..આવત લાઝ…દિવાનખંડમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. બધા સાથે જમવા બેઠા અને આભમાં ગડગડાટ અને વીજના ઝબકારા શરૂ થયા આવી જ એક અષાઢી મેઘલી રાતે બે હૈયામાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા,આજની અષાઢી મેઘલી રાતે પ્રેમ પરિપકવ થયો..

નીચે વિનયભાઇના ક્લાયન્ટની મોટી સેવરોલેટ ગાડી આવી ગઈ હતી, ઘાટીએ અને ડ્રાયવરે સામાન ડીકીમાં ગોઠવ્યો કલ્પેશ અને વિનયભાઇ આગળ બેઠા પાછળ અંજના કલા અને વીણબેન બેઠા, બાકીના સૌ નીચે સુધી આવ્યા આવજો, આવજો, સંભાળજો કલ્પેશભાઇ કોઈ વખત પત્ર લખતા રહેજો વગેરે ઉદ્ગારો લઈને ગાડી ઉપડી કલ્પેશ વિજળીના પ્રકાશમાં કલાનો ચહેરો રિયર મિરરમાં જુવે હોઠો પર સ્મિત નેત્રોમાં છુપાવેલ અશ્રુ, જોઇને કલ્પેશનું આદ્ર હૈયુ મુંઝાય, પાછળ જોવાય જાય તોફાની અંજના બોલે ભાઇ ચિંતા ના કરો કલા મારા અને મમ્મીની વચ્ચે બરાબર છે. બન્નેને હસાવાવાનો પ્રયત્ન.
એરપોર્ટ આવી ગયું. બ્રિટીશ એર લાઇન્સમાં સામાન ચેક ઇન કરી, થોડી વાર સૌ સાથે બેઠા અંજનાએ ફોટોગ્રાફરને બોલાવ્યો, ગ્રુપ ફોટો પડાવ્યો ત્રણ ઇનસ્ટન્ટ કોપી એક ક્લ્પેશની એક કલાની અને એક મમ્મીની. કલ્પેશ ગેટ તરફ ગયો, બારી પાસેની સીટ હતી પ્લેન ઉપર ગયું નીચેથી આઠ હાથ અને પ્લેનની બારીએથી બે હાથ હાલતા રહ્યા, પ્લેન વાદળોને કાપતુ ઉંચે ઉંચે ઉડ્યું દેખાતુ બંધ થયું ત્યાં સુધી કલાના હાથ ગાડીની બારીમાંથી હાલતા રહ્યા. કલાને તેના ઘેર ઉતારી, વિનયભાઇ ગાડી ગેટ પર જોઇ નીચે આવ્યા, ‘શોભાબેન, વિનયભાઇ ઉપર આવો કાલે રવિવાર છે થોડીવાર બેસીએ મન હળવા થશે’ અંજના બોલી અંકલ મારે વહેલા ઉઠી લાઇબ્રેરીમાં જવાનું છે ઇંગ્લીશ એસે કાલે સબમિટ કરવાનો છે’ અંજના ઇંગ્લીશ મિડીયમમાં હતી. શોભાબેન બોલ્યા‘ વિનયભાઈ આજે નહી બહુ મોડું થયું છે આપણે તો હવે મળતા રહેશું’

કલા કંઇ પણ બોલ્યા વગર સીધી રૂમમાં પથારીમાં ધ્રુસકે ચડી અત્યાર સુધી કેદ કરેલા અશ્રુનો ધોધ છૂટ્યો, વીણાબેન અંદર ગયા દીકરીને પંપાળી કલા  મમ્મીના ખભા પર માથુ મુકી રડતી રહી વીણાબેનનો મમતા ભર્યો હાથ દીકરીને સાંત્વના આપતો રહ્યો ‘બેટા એક વર્ષમાં મારો વિસા કોલ આવી જશે’ ‘મમ્મી એક વર્ષ ક્લ્પેશ રાહ ના જોય શક્યો! આ વર્ષ આખું તેના વગર કેમ જશે? ‘બેટા ભણવામાં વ્યસ્ત થઈ જશે એટલે વર્ષ પુરું થઈ જ જવાનું’ થાકેલી કલા મમ્મીના ખભા પર જ નિદ્રાધીશ થઈ, ધીરેથી મમ્મીએ માથુ ઓશીકે મુક્યું, ઉભા થયા.

શોભાબેનનો વિસા કોલ ધાર્યા કરતા જલ્દી આવ્યો, પાંચે જણને વિસા મળી ગયા, માર્ચમાં ત્રણે બાળકોની પરીક્ષા પતી, કલાનું નામ ફર્સ્ટ ક્લાસમાં જાણી કલ્પેશના મમ્મી-પપ્પા અને કલાના મમ્મી-પપ્પા ખૂબ ખુશ થયા. ઘર બંધ કરવાનું થોડા વાસણો, ગરમ કપડા ઓઢવાના વગેરે તાત્કાલીક જરૂરિયાતની વસ્તુઓ મા દીકરીએ યાદ કરીને દસ બેગો પેક કરી. સેવરોલેટ ગાડી અને એક ટેક્ષી કરી એરપોર્ટ પહોંચ્યા બ્રિટીશ એર વેઝ પ્લેન જુલાયની ત્રીસ તારીખ, અષાઢ સુદ બીજના દિવસે જે એફ કે એર પોર્ટ પર લેન્ડ થયું આકાશમાં કાળા ભુરા વાદળોનો ગડગડાટ વિજળીના ચમકારા કસ્ટમ ઇમિગ્રેસન વગેરે વિધિ પતાવી ત્રણ કાર્ટમાં સામાન ગોઢવ્યો હેવી કાર્ટ ધકેલતા બહાર નીકળ્યા સુલભા માસી અને માસાએ શોભાબેન અને કલાની કાર્ટ લઈ લીધી ત્રણે બાળકો માસી માસાને પગે લાગ્યા. કલાની નજર ચારે તરફ કોઇને શોધી રહી છે, ધોધમાર વરસાદમાં રેનકોટમાં કલ્પેશ દેખાયો, અષાઢી મેખલી રાતે કલા ક્લ્પેશના સ્વપ્ના સાકાર થયા..

 

 

 

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in વાર્તા, સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s