શરદ સુધાકર (કાવ્ય)

મિત્રો,
શરદ પૂર્ણિમા એટલે રાસની રમઝટ, પ્રેમીઓની અનોખી રાત્રી, તેઓના હૈયા પ્રેમરસમાં તરબોળ, રાત્રી
નો આ ચાંદ આથમે જ નહી અને તેઓ બસ રાસ રમ્યા કરે.જ્યારે દ્વાપર યુગમાં આ પૂનમના દિવસે શ્રી કૃષ્ણે રાધાની સાથે અને ગોકુળની સર્વ ગોપીઓની સાથે મહારાસ રચેલ ત્યારે ગોપીઓના મનમાં આવા જ વિચાર હશે, અને કાનાની લીલા
તો કેવી! બધી ગોપીઓ ખૂશ થાય વાહ કાનો મારી સાથે જ રાસ રમે છે.
આ દિવસને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. કોજાગરીનો અર્થ જાગરણ.
આ દિવસે ચન્દ્ર સોળે કળાએ ખીલે છે અને તેના કિરણો વિશેષ અમૃતમયી ગુણ વાળા હોય છે, જે કોઈ બિમારીમાં ઉપયોગી છે. આ દિવસે દેવી લક્ષ્મી આખી રાત પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જુવે છે કોણ આખી રાત જાગે છે, અને જે જાગે છે તેના પર પ્રસન્ન થાય છે.
આ જાણી મને પણ કાવ્ય લખવાની પ્રેરણા મળી.

 

મુજ હ્રદય તું શરદ સુધાકર
ફેલાવ મુજપર કિરણ અવિરત

તુષ્ટ મન મધુમાલતી ખિલે ઉરે
શુષ્ક ધરણી રૂપાળી શરદ દિશે

મહેંકે ધરતી ઉપવન તુજ દર્શને
તુજ શોભા નેત્રો નિર્નિમેષ જુવે

મુજ રોમ રોમ હર્ષિત પુલકિત નાચે
હ્ર્દયાકાશે ઉજવલ જ્યોત પ્રકાશે

મુજ હ્રદય તું શરદ સુધાકર
ફેલાવ મુજપર કિરણ અવિરત

 

Posted in સ્વરચના | 1 ટીકા

મા

Ma

   દેહ ધરી જન્મી તું માની કુખેથી
ભરણ પોષણ સંસ્કાર પામી
માતા પિતાએ સાસરિયે વળાવી
કાળજાનો કટકો અશ્રુ ભીની આંખે
ગેહ સજાવ્યું ખુદનું  સ્નેહ સીંચી
સંતાન પોસ્યા તારા રક્તથી ઉદરે
જન્મદીધો પીડા વેઠી રક્ત વહાવી
છાતીએ વળગાળી કર્યા મોટા ક્ષીરની ધારે
ના જોયા દિવસ ને રાત માગણીઓ કરી પૂરી
સર્વ સંતાનો પર બસ તુજ પ્રેમ વહ્યાકરે

પ્રભુ તે સર્જી નારી મા બને વાત્સલ્ય ભરી

Posted in સ્વરચના | Leave a comment

‘ગુરુનો પ્રભાવ’ લેખ

     ગુરૂ શબ્દ હું નાનપણથી સાંભળતી, અમારે ત્યાં મારા માતા-પિતાના ગુરૂની પધરામણી થતી ત્યારે અમે સહુ ભાઈ-બહેનો તેમને પગે લાગતા,મારા મનમાં વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ વિશેષ કોઈ ભાવ નહીં. મારા બે ભાઈ અને એક બેન આ ગુરૂથી વધારે પ્રભાવિત થયા લગ્ન થયા બાદ સજોડે  તેમના શિષ્ય પણ થયા.હું મારા અભ્યાસમાં મસગુલ. કોઈ વાર મારા માતા-પિતા સાથે તેમના ગુરૂભાઈના ઘેર ગુરૂવારે ભજનમાં જતી મને ભજન સાંભળવા અને ગાવા ગમતા. મારા માનસપટ પર ક્યારે અને કયા સ્થળે ગુરૂનો પ્રભાવ પડ્યો અને હું નિયમીત ત્રણ શ્લોકની પ્રાર્થના કરી મારું કાર્ય શરુ કરતી થઈ ખબર ન રહી.
      ભાગ્યે જ કોઈ નાસ્તિક હોય છે. ધર્મના સંસ્કાર કોઈ વ્યક્તિમાં જન્મ સાથે જ હોય છે દાખલા તરીખે ભગવાન બુધ્ધ, ભગવાન મહાવીર, આ બન્ને સમકાલીન આત્મા ક્ષત્રિય કુળમાં રાજાના ઘેર જન્મેલ જન્મથી જ  મહાન વૈરાગી,અહિંસક,કરૂણાના સાગર બન્નેએ રાજ મહેલ ત્યાગી માનવ કલ્યાણ માર્ગ અપનાવ્યો ધર્મ સ્થાપિત કર્યો. કોઇનામાં ધર્મ સંસ્કાર ઘરના વાતાવરણ અને ઉછેર સાથે ઉદ્ભવિત થાય છે, તો કોઇ વ્યક્તિના અંતરાત્મામાં સુશુપ્ત પડેલ ધાર્મિક સંસ્કાર ગુરૂના સાનિધ્યથી જાગૃત થાય છે.
    મારો ઉછેર દાદા-દાદીના સાનિધ્યમાં થયેલ. રોજ વહેલી સવારે સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે પૂજા પાઠ આરતી થતા,સંધ્યા આરતી થતી, આ વાતાવરણ અને જન્મે બ્રાહ્મણ એટલે આ બધુ સ્વાભાવિક એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ, મારા માનસપટ પર આનાથી વિશેષ આ બધાનું કોય જ મહત્વ ત્યારે ન હતું. ભણવામાં મસગુલ શિક્ષકો મારા ગુરૂ, શાળાનો અભ્યાસ પૂરો કર્યો S.S.C માં પ્રથમ વર્ગ મેળવ્યો, એ જમાનામાં સાયન્સ માટે જયહિંન્દ કોલેજ ખૂબ સારી ગણાતી મને બહુ વિશ્વાસ નહી પણ એડમિશન મળ્યું. ઈન્ટર સાઇન્સમાં પ્રથમ વર્ગમાં પાસ થઈ ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજમાં એડમિશન મળ્યું.
મેડીકલ કોલેજના બીજા વર્ષમાં ધોબી તળાવ મુંબઈના વિષાળ મેદાનમાં સ્વામી શ્રી ચીનમયાનંદજીનો ગીતાજ્ઞાન યજ્ઞ શરૂ થવાના સમાચાર મળ્યા, ૧૯૬૦ના દાયકામાં સ્વામીજીના આધ્યાત્મીક પ્રવચનોનોથી કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત થતા તેના મુખ્ય બે કારણ ૧) તેઓ સરળ અંગ્રેજીમાં બોલતા, અને બીજુ કારણ તેમની પરસનાલીટી અને ડીસીપ્લીન સમયસર તેમનું પ્રવચન શરું થાય, અને પુરું થાય.
હું પણ એક દિવસ મિત્રો સાથે પ્રવચનમાં ગઈ, ગીતા અધ્યાય ૨ અને ૩ કર્મ યોગ પર દસ દિવસના જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. બરાબર ૭ ના ટકોરે સરસ્વતી વંદના, ગુરુ વંદના અને શાંતિ पाठ

ॐसह नाववतु सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्वि षा वहै॥
ॐ शान्तिःशान्तिःशान्तिः
 પછી પ્રવચન શરુ થઈ જાય, ૮-૩૦ વાગે પુરુ.
સ્વામીજીને જોયા ત્યારથી મારા માનસપટ પર તેઓશ્રીની જીવંત આકૃતિ અંકીત થઈ. હું રોજ સવારે નિત્યક્રમ પતાવી આંખો બંધ કરી મનમાં ત્રણ શ્લોક બોલી કોલેજ જતી, આ ક્રમ આજે પણ ચાલુ છે.
ગુરુના પ્રભાવે મારામાં રહેલ સુશુપ્ત ધર્મના સંસ્કાર જાગૃત થયા.
ડો ઇન્દુબહેન શાહ.

Posted in સ્વરચના | 2 ટિપ્પણીઓ

તારલા મળ્યા (કાવ્ય)

ઘોર અંધારી રાત્રીએ એકલો અટુલો
બાળ એક તારલા પકડવા દોડ્યો
વેરાન વગડામાં નથી કોઈ પિછાણ
મનમાં એક જ તમન્ના ને વિચાર
ટમટમતા તારલાને અજવાળે
મારગ કરતો આગળ ધપે
આગળ પાછળ નું નહીં ભાન
કુદકા મારે ઊંચે અડવાને આભ
બાગના ગમતા ફૂલો તોડ્યા તેણે
એમ આભના તારલા તોડવા એને
પરોઢના મૃદુ આભાએ જુએ
ઝગમગતા ઝાકળ બુંદ પુષ્પે
હરખાય તારલા માળ્યા મને

Posted in કાવ્ય, સ્વરચના | 5 ટિપ્પણીઓ

લોહીની સગાઈ

પોતાને જે સમજી નથી શક્યા
બીજાને એ શું સમજી શકવાના?

અહીથી તહી નીત નવી પિછાણ શોધે
નહીં મળે પોતાનું લોહી ક્યાંય જગતમાં

બીજાને જાણવામાં વિતી જિંદગી
ખુદનાને  ના જાણી શક્યા

અહંકાર ટકરાયા કરશે તેથી શું?
તૂટશે નહીં લાગણીના તાણાવાણા

ડાંગે માર્યા પાણી કદી ન થાય જુદા
લોહીની સગાઈ હૈયેથી છૂટી ન પડે

સંપત્તિના જોરે ખરીદાશે ઘણું
નહી ખરીદાય પ્રેમ લાગણી સાચા

અંતકાળે લોહીની સગાઈ યાદ કરતા
ભેટ્યા  વહી લોહીની સગાઈ અશ્રુધારે

 

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

હાઇકુ (સગા-સંબંધી)

આંસુ જોયાને
સગા સંબંધી ગયા
ક્યાંક છૂપાય

મિત્રોના ખભે
હ્રદય  ઠાલવયું
થયું હલકું

સગા ભીડમાં
બુધ્ધિ કહે નહી જા
હૈયું ન માને

મદદ કરી
પ્રસંગ સાચવ્યો
આબરૂ રાખી

 

Posted in હાઇકુ (સગા-સંબંધી) | Tagged | 2 ટિપ્પણીઓ

આવું પણ હોય!

અઠવાડીયું થયું રોજ રાતના બે-ત્રણ વાગતા રેણુકા ઝબકીને જાગે હેમ.. હેમ..બૂમ પાડે, પરસેવે રેબ ઝેબ..રવિ જાગી જાય, રેણુકાને સાંત્સ્વત કરે, “રેણુ શું થયું? અહીં કોય નથી આપણે બેજ છીએ હેમ ..હેમ શું? અહીં તો હેમેય નથી ને રજત પણ નથી, હેમ તો મને પણ જોવું ગમે હો હું તો જો મને દેખાય તેવું લઈ જ લઉ બૂમ બરાડા ના પાડું, બૂમ બરાડા પાડીયે તો બાજુવાળા સી.પી. એ ને ખબર પડે અને સવારના મારી સાથે પાર્કમાં ચાલતા ચાલતા મને પૂછે હાય રવિ, હાવ મચ ગોલ્ડ યુ હેવ? તો મારે જવાબ આપવો ભારે થઈ પડે, પણ હું  માનું છું તારા આ સપના સાચા પડશે અને આ દિવાળી પર આપણે જરૂર ૧૦૦ ગ્રામ ચાંદી અને તારા માટે સરસ નેકલેશ લઈશું. અત્યારે પાણી પી ને સૂઈ જા ડાર્લિંગ બોલી રેણુકાને પથારીમાં બેઠી કરી પાણી પીવડાવ્યું રેણુકાના રૂપાળા મુખ પર મેઘવર્ણીય વિશાદના અશ્રુ છાંટણા છવાયેલ, રવિની રમુજી વાત પર વિજના ઝબકારા જેવું સ્મીત ફરક્યું,રેણુકા પોતાની બાલિશતા પર શરમાય રવિની વિશાળ છાતીમાં મુખ છુપાવી બાથ ભરી, રવિ સ્નેહ નીતરતા હાથે તેણીની પીઠ પ્રસરાવતો રહ્યો, બન્ને એકબીજાના બાહુમાં ઘસઘસાટ ઊંઘી ગયા.
સવારે બન્ને ઊઠ્યા રાતની વાત ભૂલી પોતાના રુટીન વ્યવહારમાં વ્યસ્ત થઈ ગયા, રેણુકાએ બન્ને બાળકોને ઊઠાડ્યા છ વર્ષની આર્યા અને ચાર વર્ષનો અજય, આર્યા ૧લા ધોરણમાં અને અજય કિન્ડર ગાર્ટનમાં બન્નેના લંચ બોક્ષ તૈયાર કર્યા, બ્રેકફાસ્ટ કરાવ્યો, રવિ તૈયાર થઈને આવી ગયા “લેટ્સ ગો કીડ્સ આર યુ રેડી?” “યસ ડેડ લેટ્સ ગો” રેણુકાએ રવિની ચા કેરી ઓન મગમાં ભરીને તૈયાર રાખેલ રવિએ મગ લીધો. બન્નૅ બાળકોએ મમ્મીને હગ આપી “બાય મોમ” “બાય બેટા”નાનો અજય “મોમ યુ કમ અર્લિ આઇ ડોન્ટ લાઇક ટુ સ્ટે વિથ મિસ માયા સી ઇઝ વેરી મિન સી વોન્ટ લેટ મિ ડ્રો સી ટેક અવે માય ક્રેઓન્સ એન્ડ ફોર્સ મી ટુ ટેક નેપ,” અજય સી ઇઝ નોટ મીની નેપ ઇઝ ગુડ ફોર યુ, આઇ વિલ ટેલ હર ટુ ડે નોટ ટુ ફોર્સ યુ.” “થેંક્યુ મમી આઇ લવ યુ,”
“આઇ લવ યુ ટુ.” બોલી તૈયાર થવા ગઈ,
અમેરિકામાં એલિમેન્ટરી સ્કૂલમાં આફ્ટર સ્કૂલ પ્રોગ્રામની સુવિધા હોય છે. સાંજના છ વાગ્યા સુધી બાળકોને રાખે, મોટા બાળકોને હોમ વર્ક કરાવે નાના બાળકોને નેપ લેવડાવે,સ્ટૉરી બુક વંચાવડાવે  અથવા અજય જેવાને ડ્રોંઇંગ કરવું હોય તો કરાવડાવે. કોઈ બાળકોના પેરન્ટ ૫ વાગે લેવા આવે તો કોઈ બાળકોના પેરન્ટ છ વાગે લેવા આવે.મામુલી ફીમાં મિડલ ક્લાસ ફેમિલીને માટે આ સગવડ આશીર્વાદ સમાન.રેણુકાનો જોબ બેન્ક્માં ૮ થી ચારનો, ૫ વાગે બન્ને બાળકોને પિક અપ કરીને ઘેર આવે,બન્નેને દૂધ નાસ્તો આપે, સાજની રસોય કરે, શનિ-રવિની રજામાં લગભગ આખા અઠવાડિયાનું ડીનર કરી રાખેલ હોય એકાદ વસ્તુ માય્ક્રોવેવમાં કરવાની હોય તે મુકી દે, બાળકોને અઠવાડિયામાં બે વખત દેશી ખાવાનું બાકીના ત્રણ દિવસ તેમને જે ખાવું હોય તે બનાવી આપે, પાસ્તા, નુડલ્સ ,મેકરોની ચિસ વગેરે. છ વાગતા રવિ પણ ઘેર આવી જાય, ૭ વાગે બધાએ સાથે ડીનર લેવાનું.ડિનર પછી રવિ બન્ને બાળકોને હોમ વર્ક બાકી હોય તે કરાવે, રેણુકા બધાના લંચ તૈયાર કરે, બન્નેને બાથ આપે સુવડાવે,આર્યા સ્ટોરી બુક વાંચે,અજયની સાથે  ડૅડી ડીઝની સ્ટોરી બુક વાંચે, બન્ને સુઈ જાય પછી બન્નેના રૂમમાં લાઇટ બંધ કરી નાઈટ લેમ્પ ચાલુ કરી નીચે આવે એકાદ કલાક ટીવી જોવે કે વાતો કરે. રવિ –રેણુકાનો એવરેજ અમેરિકન મિડલ ક્લાસ ફેમિલીનો સુખી સંસાર કહીએ તો જરા પણ અતિસ્યોક્તિ ન ગણાય. બન્ને સમજીને કામ કરે,જરા પણ મોટા સાદે પત્નિએ પતિને કામ માટે કહેવું નહી પડે, અરે બાળકોપણ એકદમ કહ્યામાં,મમ્મી બોલે ‘આર્યા-અજય ગો અપ સ્ટેર ગેટ રેડી ફોર બાધ,’‘ યસ મોમ’ અને બન્ને ઉપર પહોંચી જાય,પાછળ મમ્મી અથવા ડૅડી જે ફ્રી હોય તે જાય.
દિવસ આટલો સરસ પસાર થાય રાત પડે,રવિ-રેણુકાને બાથમાં લે બન્ને પ્રેમ રસમાં એક બીજામાં સમાય જાય, રાતના ત્રણ વાગ્યા રેણુકાનો એજ ગભરાટ હેમ..હેમ.. એજ રીતે રવિ રમુજી વાત કરી રેણુકાને સાંસ્વત કરે.

 રવિને રોજ વિચાર આવે ‘આવું તે હોય !આખો દિવસ આટલું સરસ કામ કરે અને રાત્રે ત્રણ વાગે જ ગભરાય હેમ..હેમ..આ હેમનું રહસ્ય જાણવું પડશે, પણ કેવી રીતે? મારે તેને સ્પેસ્યાલિસ્ટ પાસે લઈ જ જવી પડશે નક્કી કર્યું.
આજે ઓફિસ પહોંચ્યો કે તુરત તેના ખાસ દોસ્ત આદિત્ય સાયકોલોજીસ્ટને ઘેર ફોન જોડ્યો “હલો ડો. આદિત્ય””યસ સ્પિકીંગ” “આદિત્ય હું રવિ તારો દોસ્ત”
“રવિ યાર આટલા વર્ષે યાદ કર્યો બોલ શું ખબર છૅ?”
“રવિ મારે તારી સાથે મારી પત્ની વિષે વાત કરવાની છે, તને આજે સમય છે?”
“શું થયું છે ભાભીને? “
“ફોન પર નહિ તું મને સમય આપ તારી ઓફિસમાં બેસીને વાત કરીએ,”
“ભલે આજે લંચ ટાઇમમાં આવ ૧૨ વાગે, સાથે લંચ લઇશું,”
“સારુ ૧૨ વાગે મળું છું બાય”
“ઓકે બાય”
રવિ આદિત્યની ઓફિસે ગયો બધી વાત કરી. આદિત્યએ વાત સાંભળી પુછ્યું
“ભાભીને આવા સપના શરું થયા તે પહેલા ભાભી ક્યાં ગયેલા તને યાદ છે”
“હા અમે ચારે જણા જુલાઇ મહિનામાં ઇન્ડીયા ગયેલ ત્યાં રાજસ્થાન અને ગુજરાતમાં ૧૦ દિવસ ફરવા ગયેલ, આર્યા અને અજયને અમારા બન્નેની બર્થ પ્લેશ જોવાનો આગ્રહ હોવાથી, મારી બર્થ પ્લેશ અમદાવાદની પોળ બતાવી, રેણુકાની બર્થ પ્લેશ લીમડી તેના મોસાળમાં એટલે અમે એક દિવસ માટે લીમડી ગયા તેના નાનાજીનું ઘર બતાવ્યું, મારા પોળના ઘર કરતા ઘણું સરસ એક માળનું મોટું મકાન, બન્ને બાળકોના આગ્રહને વસ થઈ અમે અંદર ગયા અત્યારે તો રેણુકાના ભાઇએ મકાન તેના પિત્રાય મામાને વેંચી દીધેલ તેઓ પણ હાલ મુંબઈ એટલે મકાનમાં નીચે ભાડુઆત હતા ઉપરના બે ઓરડા બંધ હતા ઓસરી ખુલ્લી હતી, ભાડુઆતભાઇ અમને નીચેના ઓરડા બતાવ્યા ઉપર નહી આવ્યા, તમે જાવ, મેં કુતુહલવશ પુછ્યું કેમ ઉપર નહી આવો? બોલ્યા “ના ત્યાં તો આ પહેલાના ભાડુઆતે એક બુઢ્ઢીબાઇ હાથમાં તેડૅલા બાળક સાથે જોઈ છે,ત્યારથી ઉપરના ઓરડા કોઈ ભાડૅ લેતા નથી, જોકે અમે કોઇએ ભૂત જોયું નથી,અને અમે ઉપર જતા પણ નથી,””આ સાભળતા જ રેણુકાનો ચહેરો બદલાઇ ગયો આંખો પહોળી થઈ, ગભરાય ગઈ બોલી રવિ ચાલો પાછા ઉપર નથી જવું, પણ તું તો જાણે છે નાનપણથી હું ભૂતની વાર્તાઓ વાંચુ મને જરા પણ ડર નહી,એટલે મે રેણુકાનો હાથ પકડ્યો અરે અહી સુધી આવ્યા અને આખું મકાન જોયા વગર જવાતું હશે? ધોળે દિવસે કોઇ ભૂત ના હોય,બાળકોએ પણ સુર પૂર્યો મમ્મી ડેડ ઇસ રાઈટ લેટ્સ ગો અને રેણુકાનો બીજો હાથ બાળકોએ પકડ્યો અને અમે ચારે ઉપર ગયા,જોકે તુરત નીચે આવી ગયા અવાવરું હોવાથી ધૂળ ઘણી હતી,બીજે દિવસે અમારી ફ્લાયટ હતી એટલે અમદાવાદ આવી તૈયારીમાં અમે બેઉ બીઝી થઈ ગયા,અહી આવ્યા શનિ- રવિ બાળકોની સ્કૂલની તૈયારીમાં ગયા સોમવારની રાતથી આ સ્વપના શરું થઈ ગયા છે, તને શું લાગે છે આવું હોય શકે?”

“હા હોય શકે ભાભીએ નાનપણમાં તેમના મોસાળમાં કોઈનું અકસ્માતથી અકાળે મૃત્યું જોયેલ છે,જેની છાપ તેમના સુશુપ્ત મગજમાં પડેલી છે, તે સ્થળ જોવાથી જાગૃત થઈ, આવું બને કાલે તું ભાભીને લઈ આવ તેમને હિપનોટાઇઝ કરી વાત કઢાવીશ અને ભય કે ગીલ્ટ જે કાંઇ હશે તે દૂર થઈ જશે,”
“તું તો યાર બહુ કોનફિડન્સ સાથે બોલે છે!”

“કારણ મેં આવા ઘણા કેશ જોયા છે,”
“સરસ કાલે શનિવાર છે, તું કામ કરે છૅ?”
“યાર ડો. ને બધા વાર સરખા અને તારા માટે શનિવાર શું? રવિવારે પણ કામ કરવામાં વાંધો ન જ હોય,”
“ભલે કાલે આવી જઉ છું.”

શનિવારે સવારના રવિએ  રેણુકાને વાત કરી હનિ આજે નવ વાગે આપણે મારા મિત્ર આદિત્યને ત્યાં જવાનું છે મેં તારી ઍપોઇન્ટમેન્ટ લીધેલ છે, તારો ભય દૂર કરશે,”
“મને શેનો ભય?”
“સોરી તારો ભય નહી તારા સ્વપ્ના દૂર કરશે,અને મારા ઉજાગરા,”
“ભલે આવીશ, પણ આર્યા-અભયને કોણ રાખશે?”
“હું રાખીશ બધા સાથે જઈશું.”
ચારેય જણા ૯ વાગે ક્લિનિકમાં પહોંચી ગયા.આદિત્યએ તુરત રેણુકાને અંદર લીધી બાળકોને ટી વી કાર્ટુન મુકી આપ્યા,અભય કાર્ટુન જોવામાં વ્યસ્ત થઈ ગયો આર્યાએ પુછ્યું ‘ડેડ વોટ્સ રોંગ વીથ મોમ ?”
“બેટા મમ્મીને રોજ રાત્રે હેડ એક થાય છે ને, ડો અંકલ વીલ રેમુવ ધેટ”
“ઓ કે,”

ઇનોસન્ટ  બાળકો કુતુહલતાથી સવાલ પૂછે, યોગ્ય જવાબ મળે સંતોષ પામે.

રેણુકા સરળ હોવાથીતુરત હિપ્નોટાયઝ થઈ ગઈ. આદિત્યએ પ્રશ્નોત્તરી શરું કરી

સોનાનો નેકલેશ બતાવ્યો” ભાભી તમને સ્વપ્નમાં આ દેખાય છેને?”
“નારે મારી પાસે ઘણા નેકલેશ છે મને તો મારો ચાર વર્ષનો સૌથી નાનો ભાઇ હેમ દેખાય છે, હું સૌથી મોટી મેં તેનું ધ્યાન નહી રાખ્યું, મામાના ઘરના દાદર પરથી પડી ગયો, મારા નાનીમા રસોય પડતી મુકીતુરત ડો પાસે લઈ ગયા,ડો બચાવી નહી શક્યા મારા નાનીમા રડતા,રડતા બોલતા’તા ,મારા ઘેર ભાણેજના મૃત્યુંની કાળી ટીલી, વાંક મારો હતો મેં ધ્યાન નહી રાખ્યું કાળી ટિલી મારા માથે.”
“રેણુકા કાળી ટીલી કોઈના માથે નહી, એ જ તો એની ડેસ્ટીની હતી, તારો ભાઇ તને બહુ વ્હાલો હતોને”
“હા ડો. મેં જ એને મોટો કરેલ મારા મમ્મી તો તેના જન્મ પછી માંદા રહેતા હતા અને એ બે વર્ષનો હતો ને જતા રહ્યા,મારો હેમ મને બહુ જ વ્હાલોહતો,”
“હોય જ ને હેમ નેપણ તું બહુ વહાલી હતી એટલે એ તારે ત્યાં તારો અજય બનીને આવ્યો,”
“અરે વાહ! મારા મોટાભાઈએ પણ મને અજયને જોયને કહેલ રેણુ આ તો એકદમ હેમ જેવો જ લાગે છે, તમારી વાત સાચી મને મારો હેમ મળી ગયો,”

“ગુડ હવે અજય સાથે વાતો કરવાની હેમને ભૂલી જવાનો”
“સાચી વાત મારો અજય જ મારો વ્હાલો દીકરો,.”

રેણુકાને હિપ્નોસિસમાંથી બહાર લાવી બે ક્લાકમાં બધુ પતી ગયું,બધા સાથે બોમ્બે પેલેસમાં લન્ચ લેવા ગયા. ભૂત પિચાસમાં નહી માનવા વાળો રવિ પણ માનતો થયો “આવું પણ હોય!”..

          

 

 

Posted in વાર્તા, સ્વરચના | 4 ટિપ્પણીઓ

પંચ મહાભૂતમાં અગ્નિ

                                પંચ મહાભૂતમાં અગ્નિ
આ પંચમહાભૂતનું બનેલ જગતના માનવી, પશુ, પંખી,  જળચર પ્રાણી વગેરે.. હા આ બધામાં પાંચે તત્વોનું સરખું પ્રમાણ નથી, એ આપણે સહુ જાણીએ છીએ, સર્જનહાર ઉપરવાળો જેણે સહુનું સર્જન કર્યું અને  સંચાલન કરે છે અને સંહાર પણ એજ કરશેને. હાસ્તો જે પોશતું તે મારતું એવો  દીશે ક્રમ કુદરતી બરાબર. સવાલ આ પાચ તત્વોમાં  સહુથી વધારે મહત્તવનું તત્વ ક્યું? આકાશ,વાયુ અગ્નિ ,પાણી કે પૃથવી?વિચાર કર્યો અગ્નિનું મહત્વ વિષૅશ. તમને થશે શા માટે? જણાવું. સૂર્ય ગરમી આપે છે, તેનાથી દરિયાના પાણીનું બાષ્પિભવન થાય છે વાદળ બને છે વરસાદ વરશે છે,પૃથ્વી ભીની થાય છે ખેડુતે વાવેલ બી ઊગે છે અનાજ, ફ્ળ શાકભાજી બધી આપણી તથા પશુ પક્ષીની જરૂરિયાતો પ્રાપ્ત થાય છે.બીજું કારણ શિયાળીની કડકડતી ઠંડીમાં હોમલેસ સૂકા લાકડાનું તાપણું કરે છે અગ્નિ તેમને બચાવે છે.અગ્નિ વગર રસોઇ પણ સક્ય નથી, આપણે રાંધેલુ અનાજ જ પચાવી શકીએ પશુ ,પક્ષી કાચુ ખાય શકે.
રિગવેદમાં અગ્નિનું મહત્વ દર્શાવેલ છે અને ઘણા શ્લોક લખાયેલ છે જે અગ્નિપુરાણમાં પણ ઉપલબ્ધ છે.
એક શ્લોક
यद् अग्न दाशुषे त्वम् अग्ने भद्रं करिष्यसि
तवेत्त्सत्यमम् अग्निरः
આપણા ઋષિ મુનિઓ ધાર્મિક વિધી અગ્નિ પ્રાગટ્યથી પ્રારંભ કરતા. જનોયની વિધી, લગ્નની વિધી તથા મૃત્યું ની વિધી બધી વખતે અગ્નિ પ્રાગટ્યની પ્રથા આજે પણ છે.

આધુનિક યુગની વાત કરીએ તો વિજળી એ પણ અગ્નિનો જ પ્રકાર, વિજળી જાય તો  આપણે ખૂબ હેરાન થઈ જઈએ છીએ અને અત્યારે આ ગરમીમાં વિજળી જ આપણને એરકંડીસ બેડ રૂમમાં સુખની નિન્દ્રા આપે છે, પંખા પણ વિજળી વગર ઠપ. અને ઠંડીમાં વિજળીથી જ હીટૅડ બેડરૂમમાં સુખેથી પોઢી શકીએ છીએ.

આપણે બધાએ શીવ-મહાદેવના ત્રીજા નેત્રની વાતો સાંભળી છે, તે નેત્રના અગ્નિથી પૃથ્વિ ક્ષણમાં ભષ્મિભૂત થઈ જાય. શિવજી ખૂબ દયાળુ છે એવું થાય નહી. અગ્નિનું મહત્વ જાણ્યું. તમને વિચાર આવશે હવા પણ એટલી જ જરૂરી છે, હા હવામાં પ્રાણવાયુ છે માટે જરૂરી છે, તે વાત ફરી ક્યારેક.

Posted in ચિંતન લેખ, સ્વરચના | 1 ટીકા

જિંદગી

jindagi

સમય સંજોગોને વસ જિંદગી
પત્તાની અજોડ રમત આ જિંદગી
કોણ રાજા કોણ રાણી કોણ ગુલામ?
કોણ એક્કો ને કોણ છે દુડી તીડી?

કૉઈ નથી જાણતું કોણ કરે છે નક્કી!
સંજોગોને આધીન છે આ જિંદગી
ધારેલ ધારણાએ ન ચાલતી કદી
પરિસ્થિતિએ પલટાતી જિંદગી

સમય સંજોગોનો કરી સ્વીકાર
પરિવર્તન આવકારી દાવ રમીશ
શ્રધ્ધા સુજાડનાર પર રાખી અતૂટ
બાજી જીતી જીવીશ આ જિંદગી

 

 

 

 

 

 

 

Posted in કાવ્ય, સ્વરચના | 7 ટિપ્પણીઓ

નીખરે

છોડની કલમે બગીચા નીખરે
શાહીની કલમે ઉદ્ધાન સાહિત્યના નીખરે

જીંદગીનો ધ્યેય એક જ સાચો
ગૃહે પુષ્પો પરિવારના નીખરે

શિક્ષકો વિધ વિધ વિષયના જુદા
હોય બે ચાર સારા શાળા નીખરે

પ્રવચનો સાધુ સંતોના મંદિરોમાં
એકાદ હોય સાચા અધ્યાત્મિકતા નીખરે

માન સન્માન જનતા જનાર્દન કરે
ઉઝાશ કાર્ય જીવનપથના નીખરે

 

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

જાગે

                       અહંકાર ભાગે
સહકાર જાગે

                       વિવાદ ભાગે
સંવાદ જાગે

                       વિભાજન મટે
ભક્તિ મળે

                         કર્મ યોગે
જ્ઞાન જાગે

                          જ્ઞાન મળે
ભક્તિ શિધ્ધ થશે

 

 

 

 

Posted in વિચાર, સ્વરચના | 2 ટિપ્પણીઓ

હાઇકુ માતૃ વંદના

બોજ ઉદરે
નવ મહિના સુધી
આનંદ સાથે

ન કરે ફરિયાદ
પ્રસુતિ પીડા સહે
જન્મદાત્રી મા

થાઈ સંતાન
પુત્ર કુપુત્ર તો તું
કરે બચાવ

અશ્રુ જુવે તું
દીકરીના કદીક
થૈ જાતી  દુઃખી

સૌ સભ્યોને તું
સુખી રાખતી યત્ને
મા તને  વંદુ

પામું સદા મા
નિશ્વાર્થ પ્રેમ તારો
તું પ્રભુ મારો

 

 

 

 

Posted in સ્વરચના | 1 ટીકા

હાઇકુ

કદર કરો
સંબંધ મજબૂત
રહે બનતો

Posted in હાઇકુ | 3 ટિપ્પણીઓ

દીવાની વાટ

બળે દીવાની વાટ બેઉ બાજુથી!
શું થશે?વિચાર કરું ફરી ફરી!

મિત્ર -શત્રુ બન્ને તરફી પ્રકાશ!
કે થઈ રહ્યો છે ભાસ-આભાસ!

કે કરી રહ્યા છે ઝાકઝમાળ મને!
ઝળહળાટ પ્રેમ  પ્રકાશનો હવે

અંતર મનના દ્વાર ઊઘાડશે
રાગ  દ્વેષ વેર ઝેર ભૂલાઇ જશે

મીઠાશ ભરી મન મંદિરીએ
પ્રેમ પાવક જ્વાળા ઝગમગશે

દીવાની વાટ જલતી રહેશે
આતમ મારો હરખાઈ ઉભરશે

 

 

Posted in કાવ્ય | Leave a comment

કંકર શંકર!               કંકર કંકર શંકર કહેવાય!
છે કંકર સાચા શંકર?
કયા કંકરમાં શોધું સાચા શંકર?

               નાનપણે પાચીકા રમવાને
ગોળ ગોળ ગોતી રાખ્યા કોરે
રમ્યાને સાચવ્યા ઘરના ખૂણે
ઘર છોડતા ભૂલાયા કંકર

                કોઇ થયા રસ્તે રઝળતા
કોઇ પૂજાયા ગૃહે બની શંકર
કોઇ કચડાઇ પગ તળે
કોઈ મૂર્તિ બને પૂજાય મંદિરે

           કંકર કંકર શંકર કહેવાય
શ્રધ્ધા આસ્થા ફળી જાય

કંકર બની જાય સાચા શંકર

 

Posted in કાવ્ય | 8 ટિપ્પણીઓ

પ્રેરણા રામનવમી દિને

      

       રામનવમી મનાવી સહુએ
       ફેસબુક વોટ્સ અપ પર
      વિવિધ મેસેજ ફોરવર્ડ કરી
      શીખ્યા શું રામનવમી સંદેશે?

    રામ માતૃ વચન પાલન કરે
    દશરથ પ્રાણ ત્યાગે પુત્ર પ્રેમે
   કૌશલ્યા સુમિત્રાનો સમભાવ

    ભરત લક્ષમણ શત્રુઘ્નનો ભાતૃપ્રેમ પૂજ્યભાવ
   સુગ્રિવનો મિત્રપ્રેમ હનુમંતનો સેવા ભક્તિભાવ
   વિભીષણની નિષ્ઠા શબરીનું ધૈર્ય ને શ્રધ્ધા

   આટલી પ્રેરણા રામનવમી સંદેશ લાવે
   પામુ પ્રભુ કૃપાએ પ્રેરણા ને કરું પાલન
નમું નત મસ્તકે રામનવમી દિને

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

ઋતુની રાણી

 આવી રે આવી ઋતુની રાણી,
વસંતની બહાર બાઝે બાગે
કોયલ પપીહરા બુલબુલના ગુંજન
કર્ણપ્રિય આહ્લાદક હૈયે ગુંજે
કુમળી કુંપળો લહેરાતી
ને સ્થગીત થઈ જાતી
જાણે થડકાર આનંદનો માણે
ઝાકળ બિંદુ ગુલાબની પાંદડીયે ઝૂલે
મોગરા જૂઇની મહેંક સંગે સંગે
મુજ હૈયુ ઊછળે યૌવન મસ્તીની યાદે
આવી રે આવી ઋતુની રાણી
વસંતની બહાર બાજે બાગે

 

 

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

સ્ત્રીલિંગનો સંગ

Women

    પુરુષ તું માને સ્ત્રી અધૂરી તુજ વિના
સ્ત્રીએ પોષ્યો જન્મ દીધો કર્યો મોટો
ના ભૂલીશ સ્ત્રીને તું કદી
સ્ત્રીલીંગ જોડાયેલ છે તુજ સંગે
જન્મથી મૃત્યું સુધી
સૌ પ્રથમ વિદ્યાલયે  વિદ્યા
યુવાનીએ કમાયો લક્ષ્મી
સુ પ્રભાતે ઊઠે જુએ ગગને ઉષા
થાક્યો ગૃહ ભણી જુએ સપ્તરંગી સંધ્યા
પોઢે તું થાકેલ નિષા
પહોંચે ગાઢ નિંદ્યામાં
ને જુએ સોહામણા સપના
પ્રૌઢાવસ્થાએ જાપ ગાયત્રીના
કરે પૂજા, વંદના,આરતી, શ્રધા સંગે,
ધરી ભાવના
વૃધ્ધાવસ્થાએ માંગે કરૂણા, મમતા
અંતકાળે પરમ આપે શાંતી
    સમજ  સ્ત્રીલીંગનો સંગ તું ભલા

દુનિયાની બધી સ્ત્રીઓને સમર્પિત

 

 

Posted in કાવ્ય, સ્વરચના | 6 ટિપ્પણીઓ

પ્રણય પ્રાંગર્યો અષાઢી મેઘલી રાતે

                                                                                               અષાઢી સાંજને પહોરરે
ડુંગરાને કોરરે
મોરલાનો થાય કલશોર

અષાઢ શબ્દ કાને પડતા જ યાદ આવે અવિનાશ વ્યાસ રચિત આ ગીત. શાળામાં ભણતા ત્યારે વિસમી સદીના    મહાન ગીતકાર અવિનાશ વ્યાસના ઘણા બધા ગીત સાથે ગરબે ઘૂમ્યા અને રાસ રમ્યા એમાનો મને એક રાસ       હજુ યાદ છે ; તારી બાંકી રે પાઘલડીનું ફુમતું રે મને ગમતું રે, આતો કહુ છું રે પાતળિયા તને અમથું” અમારી શાળાના અષાઢ  મહિનામાં થતા વાર્ષિકોત્સની આ વાત છે, ૧૧માં ધોરણના વિદ્યાર્થી કલા અને કલ્પેશ સાથે બીજા ચાર છોકરી અને ચાર છોકરાઓએ ઉપરના રાસ પર પસંદગીની મહોર મારી. કાર્યક્રમની સાંજે આભ વાદળોથી ઘેરાયું, સાત વાગતા વિજળીના ઝબકારા અને વાદળોનો ગડગડાટ શરૂ થયો અષાઢ મહિનાની મેઘલી રાતે મંચ પર દસ જણાની રાસની રમઝટ ચાલતી હતી તેમાં કલ્પેશ અને કલાની જોડી બરાબર જામી હતી એક બીજાની સામે મલકાતા નયનો નચાવતા રાસ રમી રહ્યા હતા આ અભિનય પ્રેક્ષકોની નજરમાં વસી ગયો, શાળામાં ચર્ચાનો વિષય બની ગયો.

કલા અને કલ્પેશ એકડીયાથી સાથે દસ ધોરણ સુધી વાર્ષીક પરીક્ષામા પહેલો બિજો નંબર આ બે જણાનો જ હોય.  બોર્ડની પરીક્ષાની તૈયારીમાં બન્ને વ્યસ્ત થઈ ગયા કલા એલજિબ્રામાં કલ્પેશની મદદ લેતી બન્ને સાથે કુટમુટિયાના મેગેઝીન (ગાઈડ) વાંચતા, ત્યારે હજુ કોચીંગ ક્લાસીસ આજની જેમ શરૂ નહી થયેલ, આજકાલ તો કોચીંગ ક્લાસ ભરે તેને ૯૦%ઉપર માર્કસ મળવાની ગેરન્ટી!!મુંબઇમાં ઘર નાના, બે ઓરડા નાનું રસોડું એમાં ત્રણ ભાંડુડા અને માતા-પિતા પાંચ વ્યક્તિનો સમાવેશ થાય; તેમા કોઇને ટી વી જોવું હોય તો કોઇને રેડીયો પર બિનાકા ગીતમાલા સાંભળવી હોય એટલે વાંચવા બન્ને જણા શહેરની લાયબ્રેરીમાં જતા.
ક્યારેક કલાને એલજિબ્રાના પ્રોબલેમ સમજાવવામાં મોડું થઈ જતું ત્યારે કલ્પેશ કલાને ઘર સુધી મુકવા જતો, કલાનું ઘર બીજે માળે એ જમાનામાં બે માળના મકાનમાં લીફ્ટની સગવડતા નહી અને
દાદરની લાઈટ ૯ વાગે બંધ થઈ જતી; મકાન માલીકને બીલ ભરવું પોષાય નહી. કલ્પેશ ઘરના દરવાજા સુધી જાય કલા ડોરબેલ વગાડે, દરવાજો ખુલે કલા અંદર પ્રવેશે પછી જ કલ્પેશ તેના ઘેર જાય.

માર્ચ મહિનો આવ્યો, બન્ને રાતના નવ વાગ્યા સુધી લાયબ્રેરીમાં વાંચતા, બન્નેના માતા પિતાને કોઈ વાંધો નહી. પરીક્ષા પુરી થઈ બન્નેના પેપર્સ સારા ગયા રિઝલ્ટની રાહ.

બે ત્રણ દિવસ પરીક્ષાનો થાક ઉતર્યો બપોરના કલ્પેશનો ફોન આવ્યો કલાએ ઉપાડયો હલો કોણ સામે કલ્પેશ ‘કલા  આપણે  બપોરના શોમાં મુવી જોવા જઇએ છીએ મે મારી મમ્મીને પૂછી લીધું છે, તું તારા મમ્મીને વાત કર મને ખાત્રી છે વીણા માસી હા પાડશે જ’
‘તને મારા મમ્મીની શું ખબર?
‘મને ખબર છે વીણા માસી ફોરવર્ડ છે’
‘પણ કલ્પેશ મારે ઉમાને ઘેર જવું છે,તેની સાથે મુવી જોવા જવું છે’
‘ભલે આપણે ત્રણે સાથે મુવી જોવા જઇશું તું અને ઉમા મારે ઘેર આવો’
‘સારું તેમ કરીએ કલાએ ફોન મુક્યો, મમ્મી સમજી ગયા કે પછી ત્રણ જણા સાથે જાય તે ગમ્યું બોલ્યા ‘કલા તમે ત્રણેય જણા સાથે જાવ, તું અને કલ્પેશ એકલા મુવી જોવા જાવ તે બરાબર ન કહેવાય, મને કે શોભાબેન (કલ્પેશના મમ્મી)ને વાંધો ન હોય પણ પડોશમાં વાતો થાય’ મમ્મી શોભા માસીને અને તને વાંધો ના હોય તો પાડોશીથી બીવાનું!’ બીતા નથી પણ હજુ તમારે બન્નેએ એકલા જવાનો સમય આવ્યો નથી કોલેજમાંથી એકલા જજો’
‘હાસ એની તો છુટ મને મારી મોડર્ન મમ્મીએ અત્યારથી આપી દીધી મારી, મમ્મીને વહાલભરી હગ આપી.

કલા ઉમાને ત્યાં પહોંચી બેઉ સખી ઘણા સમયબાદ મળી બહાર બાલ્કનીમાં બેઠા. કલાએ પુછ્યું પરીક્ષા કેવી ગઈ? ‘અંગ્રેજીનું પેપર બહુ હાર્ડ હતું નિબંધના વિષયો બહુ અઘરા હતા મને લાગે છે હું નાપાસ થઈશ બોલતા આંખમાં પાણી આવી ગયા કલાએ તેના ખભે હાથ મુક્યો આંસુ લુછ્યા ‘અરે એમા રડે છે શું! બધાને માટે નિબંધ અઘરા હતા. સારુ બીજા બધા તો સારા ગયા છે ને? અને તારા આઠ વિષય એટલે તું એકમાં ફેલ થશે તો પણ પાસ ગણાશે’
‘પણ અંગ્રેજીમાં નાપાસ એટલે કોલેજમાં તો જવાશે જ નહી’
‘ઉમા તું એસ એન ડી ટી કોલેજમાં જઈ શકશે મારા મમ્મી ત્યાં ગુજરાતીના પ્રોફેસર છે તને એડમિસન અપાવી દેશે તારું ગુજરાતી તો ખૂબ સરસ છે’
‘હા ગુજરાતી હિન્દી બન્ને પેપર ખૂબ સારા ગયા છે ૬૫, ૭૦ માર્કસ આવી જશે’
‘સરસ તૈયાર થઈ જા આપણે મુવી જોવા જવાનું છે બન્ને કલ્પેશના ઘેર ગયા કલ્પેશ રાહ જોતો  બહાર       જ ઉભો હતો. ત્રણે જડપથી ખાર સ્ટેસન પહોંચ્યા મરિન્લાયન્સની ત્રણ ટીકીટ લિધી ટ્રેન આવતી જોઇ ત્રણે જણાએ દોડીને ટ્રેન પકડી ફાસ્ટ ટ્રેન હોવાથી સમયસર લીબર્ટી થિયેટર પહોંચી ગયા, કલ્પેશે ફોન કરી ટીકીટ રીઝર્વ કરાવેલ તેથી તુરત ટીકીટ લઇને અંદર ગયા આવનાર મુવીના ટેલર શરૂ થઈ ગયેલ પિક્ચર મિસ ના થયું. ઇન્ટરવલમાં કલ્પેશ ત્રણ કોક અને વેફર્સના પેકેટ લઈ આવ્યો. ત્રણે જણાએ એન્જોય કર્યું.

એપ્રિલના એન્ડમાં રિઝલ્ટ આવ્યું, કલા ના ૮૦% માર્કસ આવ્યા કલ્પેશના ૮૫% બન્નેનો શાળામાં પહેલો બીજો નંબર પરંતુ બોર્ડમાં પહેલા પંદરમાં નામ નહી હોવાનું દુઃખ બન્નેને થયું. કલ્પેશના ફોય અમેરિકા હતા તેમણે કલ્પેશને ૧૨મુ ધોરણ અમેરિકામાં કરવાની સલાહ આપી જેથી કોલેજમાં પ્રવેશ સરળ બને,કલ્પેશના પપ્પાએ આ સલાહ માન્ય રાખી દ્વિધા, કલ્પેશને તો અહી જયહિન્દ કોલેજ, જે સાઇન્સ માટે મુંબઈની બેસ્ટ કોલેજ ગણાય છે તેમાં સ્કોલરશીપ સાથે એડમિસન મળી ગયેલ છે શું કરવું? કલ્પેશઃ’પપ્પા ત્યાં બાર સુધી હાઇસ્કુલમાં ભણવાનું હોય છે અને ત્યાં સ્કુલ સપટેમ્બર મહિનામાં શરૂ થાય એટલે હું જુન જુલાય, ઓગષ્ટ ત્રણ મહિના અહી જયહિન્દ કોલેજમાં ભણું તો મને ક્રેડીટ મળે અને હું સારા પર્સનટાઇલમાં હાઇસ્કુલ ગ્રેજ્યુએટ થઈ શકુ તો મને સારી યુનિવર્સિટીમાં એડમિસન મળી શકે’ શ્રેણીકભાઇ તો દિકરાના બુધ્ધિ ચાતુર્ય પર આફરીન થઇ ગયા, ‘વાહ બેટા બહુ સરસ, આમેય વિસા અને ત્યારબાદ અમેરિકા જવાની તૈયારીમાં ત્રણેક મહિના જેટલો સમય થઈ જ જાય એમ જ કરીશું’ શ્રેણીકભાઇએ બીજે દિવસે નીલુબેનને અમેરિકા ફોન કરી જણાવી દીધુ.

કલાને પણ જયહિંદ કોલેજમાં એડમિસન મળી ગયું, બન્ને સાથે કોલેજમાં જતા, રોજ કેટલીયવાર મળવાનું થતુ, કેટલી બધી વાતો કરતા, બાયોકેમીસ્ટરીની, બાયોલોજીની તો કોઈ વાર “ડો. ઝિવાગો” “ગન્સ ઓફ નેવરોન” જેવા ફેમસ હોલિવુડ મુવી જોવાપણ જતા, કલ્પેશના હોઠ સુધી ઓગષ્ટમાં અમેરિકા જવાની વાત આવે બોલી ના શકે, એકદિવસ મરિનડ્રાઇવના દરિયા કિનારે બન્ને બેઠા હતા અષાઢ મહિનાની શરૂઆત વાદળો ઘેરાવા લાગ્યા વરસાદ તુટી પડશે, ક્લ્પેશના હોઠ ફફડ્યા કલા જોઈને બોલી ‘શું થાય છે  કપાળે ગળે હાથ ફેરવવા લાગી ક્લ્પુ તને ઠંડી લાગે છે?’
‘ના રે તું પાસે હોયને ઠંડી લાગતી હશે’ બન્નેની જ્ઞાનેન્દ્રીય સળવળી આખા શરીરમાં ઝણઝણાટી બન્ને એકબીજાના આલિંગનમાં કલ્પેશે કલાના ગાલ હોઠ કપાળે ચુમીનો વરસાદ વરસાવ્યો. કલાનું હૈયુ પલળ્યું, બન્નેની ધડકન એક થઈ ગઈ
હોઠ બોલી ના શક્યા સ્પર્શી પાવન થયા. કલાએ ઘડીયાળમાં જોયું ‘કલ્પેશ આઠ વાગ્યા ઘેર પહોંચતા નવ વાગશે અમારા ઘરનો કરફ્યુ ટાઇમ નવ વાગે બધાએ ઘેર પહોંચી જવાનું’ બન્ને ઉભા થયા ફાસ્ટ ચાલવા માંડ્યા મરિન્લાઇન્સ સ્ટેસન તરફ આઠ દસની ફાસ્ટ ટ્રેન પકડવા મળી ગઈ, ૮-૪૦એ ખાર સ્ટેશને ઉતર્યા, દસ મિનીટમાં ઘેર પહોંચ્યા.

બીજે દિવસે રિસેસમાં કેન્ટીનમાં કલ્પેશે આજે બે કોફી સાથે પાર્લેજી લીધા, કલા હસતા હસતા બોલી ભૂલમાં બીજાની ટ્રે લઈ આવ્યો!
‘આપણી જ છે આજે મને પણ તારી જેમ કોફી પીવી છે, મારે હવે ટેવ પાડવી છે’
‘ ટેવ! અમેરિકામાં ચા નહી મળે?’ ‘તને કોણે કહ્યું હું અમેરિકા જવાનો છું!’ગઈ કાલે વીણા માસીએ મારા મમ્મીને વાત કરી, તને ડર લાગ્યો જણાવતા કલા રડશે મને પણ ઢીલો પાડશે, કલ્પુ આપણે નાનપણથી સ્વપ્ના જોયા છે, આજે તને ચાન્સ મળ્યો છે સ્વપ્ના સાકાર થશે’

‘કલી મારું હૈયુ આટલા લાંબા સમય સુધી તારાથી દૂર જવા તૈયાર નથી, કેટલીએ વાર પ્રયત્ન કર્યા હોઠ ફફડે પણ બોલી ના શકે’ ‘કલ્પુ મારા મમ્મીએ પણ વીણા માસીને સારા સમાચાર આપ્યા મારા સુલભા માસીએ મારા મમ્મીની પીટીસન ફાઇલ કરી છે બે વર્ષમાં વિસા કોલ આવી જશે’ ‘વાહ બન્ને બહેનપણીઓ ખુશ અને આપણે બન્ને સાથે ત્યાંની કોલેજમાં જઇશું’ બન્ને હળવા ફૂલ થઈને ક્લાસમાં ગયા.

ઓગષ્ટ મહિનો આવ્યો રોજ રાત્રે કલાનું મન વિચારોના ચકડોળે ચડે પંદર દિવસમાં કલ્પુ જતો રહેશે, બે વર્ષ? કદાચ વધારે પણ થાય મમ્મીનો વિસા કોલ મોડો આવે તો? મને ૨૧ વર્ષ થઈ જાય તો હું મમ્મી સાથે ના જઈ શકુ, કલ્પેશ મને ભૂલી જશે તો? આવા અનેક પ્રશ્નોના જવાબ હૈયુ આપે ના ના મારો અને કલ્પેશનો પ્રેમ બચપનથી પરિપકવ છે, અમારા બન્નેના હૈયામાં જડાયેલ છે, ભૂલાય નહી, અને કલા ‘હો…બચપનકે દિન ભૂલા ન દેના ગીત ગણગણવા લાગે નિદ્રાધીન થઈ જાય.

અષાઢ સુદ આઠમ કલ્પેશનો જવાનો દિવસ, સવારથી સગા સંબંધીઓ મળવા આવતા કોઈ સુખડનો હાર પહેરાવે તો કોઈ શ્રીફળ આપે, કલ્પેશની આતુર આંખો વારંવાર બારી બહાર સામેના બિલ્ડીંગને જુવે, નાની બેન અંજના બોલી ભાઇ જેને શોધો છો તે તમારી પાછળ ઊભી છે, કલા કોલેજથી સીધી કલ્પેશને ત્યાં આવી ગઈ, મમ્મી- પપ્પા પણ આવી ગયા વીણાબેને અને શોભાબેને કલ્પેશને બાજઠ પર બેસાડ્યો કુમકુમ અક્ષત તિલક કર્યું, ક્લાના પપ્પા શ્રેણીકભાઈએ શ્રીફળ અને રોકડો રૂપિયો કલ્પેશના હાથમાં મુક્યા, કલ્પેશ વીણાબેન સામે જોઇ બોલ્યો મમ્મી આ બધુ શું? કલ્પેશના પપ્પા વિનયભાઇ બોલ્યા ‘કલ્પેશ આજે અમે શ્રીફળ વિધિ કરી એટલે તારું કલા સાથે વેવીશાળ નક્કી થયું. કલા અને કલ્પેશની નજર શરમથી ઝુકી ગઈ, અંજના બોલી ભાઇ કલા હવે તો ભાભી શરમાવ છો શું વડીલોને પગે તો લાગો. ત્યાં ઉમાએ શરૂ કર્યું “નૈન સો નૈન નાહી મિલાવો સય્યા..આવત લાઝ…દિવાનખંડમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. બધા સાથે જમવા બેઠા અને આભમાં ગડગડાટ અને વીજના ઝબકારા શરૂ થયા આવી જ એક અષાઢી મેઘલી રાતે બે હૈયામાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા,આજની અષાઢી મેઘલી રાતે પ્રેમ પરિપકવ થયો..

નીચે વિનયભાઇના ક્લાયન્ટની મોટી સેવરોલેટ ગાડી આવી ગઈ હતી, ઘાટીએ અને ડ્રાયવરે સામાન ડીકીમાં ગોઠવ્યો કલ્પેશ અને વિનયભાઇ આગળ બેઠા પાછળ અંજના કલા અને વીણબેન બેઠા, બાકીના સૌ નીચે સુધી આવ્યા આવજો, આવજો, સંભાળજો કલ્પેશભાઇ કોઈ વખત પત્ર લખતા રહેજો વગેરે ઉદ્ગારો લઈને ગાડી ઉપડી કલ્પેશ વિજળીના પ્રકાશમાં કલાનો ચહેરો રિયર મિરરમાં જુવે હોઠો પર સ્મિત નેત્રોમાં છુપાવેલ અશ્રુ, જોઇને કલ્પેશનું આદ્ર હૈયુ મુંઝાય, પાછળ જોવાય જાય તોફાની અંજના બોલે ભાઇ ચિંતા ના કરો કલા મારા અને મમ્મીની વચ્ચે બરાબર છે. બન્નેને હસાવાવાનો પ્રયત્ન.
એરપોર્ટ આવી ગયું. બ્રિટીશ એર લાઇન્સમાં સામાન ચેક ઇન કરી, થોડી વાર સૌ સાથે બેઠા અંજનાએ ફોટોગ્રાફરને બોલાવ્યો, ગ્રુપ ફોટો પડાવ્યો ત્રણ ઇનસ્ટન્ટ કોપી એક ક્લ્પેશની એક કલાની અને એક મમ્મીની. કલ્પેશ ગેટ તરફ ગયો, બારી પાસેની સીટ હતી પ્લેન ઉપર ગયું નીચેથી આઠ હાથ અને પ્લેનની બારીએથી બે હાથ હાલતા રહ્યા, પ્લેન વાદળોને કાપતુ ઉંચે ઉંચે ઉડ્યું દેખાતુ બંધ થયું ત્યાં સુધી કલાના હાથ ગાડીની બારીમાંથી હાલતા રહ્યા. કલાને તેના ઘેર ઉતારી, વિનયભાઇ ગાડી ગેટ પર જોઇ નીચે આવ્યા, ‘શોભાબેન, વિનયભાઇ ઉપર આવો કાલે રવિવાર છે થોડીવાર બેસીએ મન હળવા થશે’ અંજના બોલી અંકલ મારે વહેલા ઉઠી લાઇબ્રેરીમાં જવાનું છે ઇંગ્લીશ એસે કાલે સબમિટ કરવાનો છે’ અંજના ઇંગ્લીશ મિડીયમમાં હતી. શોભાબેન બોલ્યા‘ વિનયભાઈ આજે નહી બહુ મોડું થયું છે આપણે તો હવે મળતા રહેશું’

કલા કંઇ પણ બોલ્યા વગર સીધી રૂમમાં પથારીમાં ધ્રુસકે ચડી અત્યાર સુધી કેદ કરેલા અશ્રુનો ધોધ છૂટ્યો, વીણાબેન અંદર ગયા દીકરીને પંપાળી કલા  મમ્મીના ખભા પર માથુ મુકી રડતી રહી વીણાબેનનો મમતા ભર્યો હાથ દીકરીને સાંત્વના આપતો રહ્યો ‘બેટા એક વર્ષમાં મારો વિસા કોલ આવી જશે’ ‘મમ્મી એક વર્ષ ક્લ્પેશ રાહ ના જોય શક્યો! આ વર્ષ આખું તેના વગર કેમ જશે? ‘બેટા ભણવામાં વ્યસ્ત થઈ જશે એટલે વર્ષ પુરું થઈ જ જવાનું’ થાકેલી કલા મમ્મીના ખભા પર જ નિદ્રાધીશ થઈ, ધીરેથી મમ્મીએ માથુ ઓશીકે મુક્યું, ઉભા થયા.

શોભાબેનનો વિસા કોલ ધાર્યા કરતા જલ્દી આવ્યો, પાંચે જણને વિસા મળી ગયા, માર્ચમાં ત્રણે બાળકોની પરીક્ષા પતી, કલાનું નામ ફર્સ્ટ ક્લાસમાં જાણી કલ્પેશના મમ્મી-પપ્પા અને કલાના મમ્મી-પપ્પા ખૂબ ખુશ થયા. ઘર બંધ કરવાનું થોડા વાસણો, ગરમ કપડા ઓઢવાના વગેરે તાત્કાલીક જરૂરિયાતની વસ્તુઓ મા દીકરીએ યાદ કરીને દસ બેગો પેક કરી. સેવરોલેટ ગાડી અને એક ટેક્ષી કરી એરપોર્ટ પહોંચ્યા બ્રિટીશ એર વેઝ પ્લેન જુલાયની ત્રીસ તારીખ, અષાઢ સુદ બીજના દિવસે જે એફ કે એર પોર્ટ પર લેન્ડ થયું આકાશમાં કાળા ભુરા વાદળોનો ગડગડાટ વિજળીના ચમકારા કસ્ટમ ઇમિગ્રેસન વગેરે વિધિ પતાવી ત્રણ કાર્ટમાં સામાન ગોઢવ્યો હેવી કાર્ટ ધકેલતા બહાર નીકળ્યા સુલભા માસી અને માસાએ શોભાબેન અને કલાની કાર્ટ લઈ લીધી ત્રણે બાળકો માસી માસાને પગે લાગ્યા. કલાની નજર ચારે તરફ કોઇને શોધી રહી છે, ધોધમાર વરસાદમાં રેનકોટમાં કલ્પેશ દેખાયો, અષાઢી મેખલી રાતે કલા ક્લ્પેશના સ્વપ્ના સાકાર થયા..

 

 

 

 

 

Posted in વાર્તા, સ્વરચના | Leave a comment

હાઇકુ

નથી મા શક્તિ
પાર થવા શું કરું?
ચિંતન કરું!


બાપુ યાદ છે
સત્યમેવ  જયતે
પ્યારું વચન

Posted in હાઇકુ | Leave a comment